આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચૌદમું
પૂજારીનું માનસ

"મેદની વિખરાયા પછી રા'એ મંદિરના મુખ્ય પુરોહિત સાથે એકાંતે મેળાપ કર્યો. પુરોહિત કનોજિયા બ્રાહ્મણ હતા. એમની અટક ગૌડ હતી. રાજા કુમારપાળના કાળમાં જે વિહસપત્તી ગૌડ હતા તેમના વંશજ થતા હતા. દેખાવે રૂપાળા હતા.

રા'ની ને પુરોહિતની વચ્ચે નીચે મુજબ વાત ચાલી :-

'વીજલ વાજાને સોમનાથના દશને આવતા અટકાયત કરવાનું શું કારણ ?' રા'એ પૂછ્યું.

'એક કારણ તો એ છે કે એ શાપિત છે, ભયંકર રોગના ભાગ થઇ પડેલા છે.' બોલતા ગૌડના તાંબુલ રંગ્યા દાત દેખાયા.

રા હસ્યા : 'પણ મૂળ આ મંદિરની પ્રતિષ્ઠા જ ચંદ્રદેવે પોતાના ક્ષય રોગની શાંતિ કરવા અર્થે કરેલી છે. એને માથે પણ એના સસરા પ્રજાપતિનો શાપ હતો. સતાવીસમાંથી એક રોહિણી રાણી પ્રત્યેના એના પક્ષપાતને પરિણામે મળેલો એ શાપ હતો. એ શાપનું શમન જ ચંદ્રદેવે આ મંદિર સ્થાપીને મેળવ્યું હતું.'

'દેવો તો ચાહે તે કરે. અમે માનવીઓ છીએ.'