આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પંદરમું
પાછા વળતાં

"વૈશાખ મહિનાના આગવર્ષાણ મધ્યાહ્ને જ્યારે રા'એ પોતાનો રસાલો પાછો હંકારી મૂક્યો ત્યારેરે એ રસાલામાં બે માણસોનો ઉમેરો હતો. એક ભીલ જુવાન ને બીજી એની માતા. એ સભર-ભર તીર્થભૂમિ વિષે ન તો પ્રાચીન કુંડમાં સ્થાન પામી શકેલા કે ન ત્રિવેણીનું નહાવણ પામી શકેલા વીજલ વાજાને રા'એ રસ્તામાં કહી દીધું : 'જાવ પાછા ઊનામાં. મુસલમાન દરવેશો સાથે બગાડશો મા. અત્યારે ગૂજરાતની સુલતાનીઅત પર એ હઝરતોનું જ પરિબળ છે તે ભૂલશો મા, ને હિંદુ દેવસ્થાનાંથી વેગળા રહી રાજ કરજો. સાચવી શકાય ત્યાં સુધી સાચવજો. મને આશા તો નથી રહી છતાં રાજપૂતોનું જૂથ જમાવવાનો એક યત્ન કરી જોઉં છું. એ નહિ થઇ શકે તો પછી જેવી પ્રારબ્ધની ગતિ. પણ ફરી સોમૈયાજીનાં દર્શન તો અમે નથી પામવાનાં તેવું લાગે છે. ભાંગેલ હૈયે પાછો જાઉં છું.'

ઊનાના પાદરમાંથી જ પરબારા રા'એ દોંણ-ગઢડાના ભીલ-રહેઠણ પર રસાલો હંકાર્યો. ને એક દિવસ ભાટની વહુવારૂને કાને જે સૂરો પડ્યા હતા તે જ સૂરો મછુંદરીનાં નીર ઊતરતે ઊતરતે રા'એ સાંભળ્યા -