આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૧૫

ગૂજરાતના દરવેશો


'અમારામાં પણ આપમતલબીઓ ને ટૂંકબુદ્ધિવાળા નથી એમ ક્યાં છે રા'? પણ તેમની સામે લાંબી નજર પહોંચાડનારા સુજાણો પણ સવાયા સમરથ પડ્યા છે. આ જુવો અમારા સાંઈ શેખ કમાલ : અમદાવાદ શહેરના એ આલીમ કાંઇ કમ વિદ્વાન હતા ! પણ કેવી ખોટ ખાઇ બેઠા? માળવાનો સુલતાન મુહુમ્મુદ ખીલજી અમારા શેખ કમાલનો જૂના વખતનો દોસ્ત : માળવાથી એ મુહુમ્મુદ ખીલજી શેખ કમાલના તકીઆમાં ભેટ સોગાદો મોકલ્યા કરે : મતલબ? મતલબ એક , કે શેખજી ! ગૂજરાતની સુલતાનીઅત મારે નામે થાય, તેવી બંદગીઓ કરો, તેવાં તાવીજો વગેરે કરો તો હું ફકીરોની સેવા કાજે મોટો મઠ બંધાવીશ ને તેના ખર્ચ માટે વાર્ષિક ત્રણ કરોડ તંકા (રૂપિયા)ની જીવાઇ મુક્કરર કરી આપીશ. આવા સંદેશાની સાથ એણે શેખ કમાલ પર પાંચસો સોનાની દીનારો (સિક્કા) પણ મોકલી આપી. શેખ કમાલ એમાં લપટાઇ પડ્યા. એણે કુરાનને દીનારોની પેટી બનાવી. હવે જો ગૂજરાતનો મર્હૂમ સુલતાન મહમદશા મુર્ખ ન હોત તો એ વાતની છેડતી કર્યા વગર પોતાનું કામ કરે જાત. તેને બદલે ગૂજરાતના બેવકૂફ સુલતાન મહમદશાહે શેખ કમાલની એ દીનારો છીનવી લઇ પોતાના ખજાનામાં મૂકી. પરિણામે શેખ કમાલની કદુવા તો જોરશોરથી શરૂ થઇ, કે મને સતાવનારનું સત્યાનાશ જજો, ને માળવાવાલા મુહુમ્મુદ ખીલજીને ગૂજરાત મળજો ! એકલા વિદ્વાન હોવાનો એ બૂરો અંજામ : કે ફકીર પોતાપણું ભૂલી ગયો. ને એણે માળવાવાળા એ દોસ્તને ખાતર ખુદાના દરબારમાં ગૂજરાતનું સત્યાનાશ માગ્યું.'

'તમારા ધર્મપુરુષોમાં પણ આવી બાબત?' રા'એ અચંબો બતાવ્યો.

'બાબા ! ઇન્સાન તો તમરામાં ને અમારામાં બધેય એક જ