આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ એકવીસમું
કસૂંબાનો કેફ

રા'માંડળિકને નવું લગ્ન કર્યાં થોડાં વર્ષો વીતી ગયાં છે. નિત્યકર્મમાં અચૂક નિયમ રાખનાર રા'ની રસમો બદલી ગઇ છે. રા' સવારે મોડા ઊઠે છે. થાકેલા ને ઉત્સાહ વગરના દેખાય છે. નાની વાતોમાં એ ચ્હીડાય છે યે ખરા. ઉત્તર હિંદમાંથી પ્રભાતમાં વ્હેલું આવી પહોંચતું ગંગાજળ એકાદ પ્રહર પડ્યું પણ રહે છે.

એક પ્રભાતે કુંતાદેએ, વગર પૂછાવ્યે, પોતાનાં પાળેલાં, ભીલભાઇએ આપેલાં સિંહનાં બે બચ્ચાંને સાથે લઇ રા'ના સૂવાના સ્થાન પર આવી ને પૂછ્યું: 'છોકરીઓ, ઊઠ્યા છે રાજ ?'

'અરધાપરધા ઊઠ્યા છે. વરધી દઇએ ?' છોકરીઓ સાવઝોથી ડરતી ડરતી બોલી.

'વરધી વળી શું દેવી છે!'

એમ કહેતી સડેડાટ કુંતાદે બંને સિંહોને રસીથી દોરતી રા'ના ઓરડે પહોંચી. કુંતાદેથી રા'એ હજુ ડરવાનું છોડ્યું નહોતું; ભલે એણે કુંતાદેનું શયનગૃહ છોડ્યું હતું, કુંતાદેના હાથનું ભોજન છોડ્યું હતું. કુંતાદેની નજરે ટટ્ટાર અને સ્વસ્થ દેખાવા એણે પ્રયત્ન કર્યો પણ કુંતાદે વરતી ગયાં. એણે કહ્યું -