આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બાવીસમું

૧૫૮


'તે બોલાવો ને !'

'તે તમારી હાટડીમાં ક્યાં ઘી નથી ?'

'પણ ભક્તરાજને લાયક નથી.'

'કાં ?'

'રોકડા પૈસા થોડા મળે તેમ છે ભક્તરાજની પાસે ? એ તો કહેશે કે લ્યો બાપલા, બે કીર્તન ગાઇ દઉં.'

'તો તો જૂનગઢમાં કોરીને બદલે વ્હેલું મોડું કીર્તનોનું ચલણ થવાનું, ખરૂં?'

'થાય - જો ભક્તરાજનો પંથ જોર પકડે તો કેમ ન થાય ?'

'મહારાણી કુંતાદેનું ચાલત તો ચોક્કસ એમ જ કરત. પણ રા'ની લગની ભક્તરાજ પ્રત્યે હવે ઘટી લાગે છે.'

'પણ આજ ભક્તરાજને ઘીનો શોખ ક્યાંથી થયો ?'

'બાપનું શ્રાદ્ધ સારવું હશે.'

'આજ-રહી રહીને ?'

'કાં, એના મોટા ભાઈએ ઘરમાંથી કાઢ્યો ખરો ને, એટલે હવે જુદું કરવું પડે.'

ઘીના વેપારીઓનો વિનોદ જેના કાનનાં કાણાં સુધી પણ પહોંચતો નહોતો, તે તપેલી વાળો પુરૂષ એક છેવાડી, સાવ નાની હાટડી પાસે થંભ્યો ને ઓશિયાળાની માફક ઊભો રહ્યો. રડ્યું ખડ્યું ઘરાક જ્યારે એ હાટડીએથી દૂર થઇ ગયું ત્યારે પોતે હાટડીના પાટિયા પાસે ગયો.