આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બાવીસમું

૧૬૨


'અરે ભકતજી !' પ્રભુનાં પદોમાં ભાન ગુમાવી બેઠેલ હાટડીદારે, પછી તો બપોર થઇ ગયા ત્યારે યાદ આવતાં નરસૈયાને કહ્યું, 'અરે મહેતાજી, તમારૂં શ્રાદ્ધ તો ઠ્ઠ્યું રહ્યું !'

'એક ગાઇ લઉં ને પછી જાઉં. એક તો ગાવું જ જોવે ને! તમે મને ઘી આપ્યું, ને કુંવરબાઇની માની વાળી બચાવી, તો હુ વધુ એક કેમ ન ગાઉં?'

લાખ માનવીઓમાં એકે પણ પોતાના વ્હાલાજીનાં ગુણ-કીર્તનની જે કદર કરી, તેના આભારભીના આનંદ-રસે ખેંચાતો નરસૈયો હરિનાં ગાન ન થંભાવી શક્યો.

એને કંઠે શોષ પડ્યો હતો. એની આંખો ક્યારની બીડાઇ ગઇ હતી. એવામાં લોકોના વૃંદમાં પોતાનો માર્ગ કરતી એક સ્ત્રી દાખલ થઇ, ને તેણે ગાયકના સુકાતા હોઠે પાણીની ટબૂડી ધરી, આંખો ખોલ્યા વગર જ નરસૈયાએ જળપાન કર્યું ને ઉદ્રેક વિરમી ગયો. આંખો ખોલતે ખોલતે એણે કહ્યું 'મામી-રતન મામી ! તમે અત્યારે ય પહોંચી ગયાં?'

'ભાઇ !' રતન મામી નામે સંબોધાએલ સ્ત્રીએ જવાબ વાળ્યો : 'તમે આંહીં ક્યારે ? હમણાં આવ્યા ?'

'અરે ના ના,'નરસૈ મહેતાને યાદ આવ્યું : 'કેટલો દા'ડો થઇ ગયો ! હજુ તો ઘેર ઘી પહોંચાડવું છે. કુંવરબાઇની બા બાપડી વાટ જોતી હશે. રાંધશે કયારે ! નોતરાં ક્યારે દેવા જઇશ ! શ્રાદ્ધની વેળા વીતી ગઇ કે શું ?' એને સમયની સાન નહોતી.

ગાન સાંભળતા ટોળામાં પાંચ પંદર મુગટાધારી નાગર બ્રાહ્મણો હાથમાં થાળી વાટકાને સુંદર લોટા લઇને ઊભેલા હતા.