આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ બીજું
પંડિતની સ્ત્રી

"વાજા ઠાકર, અંબવન, ઘર ઘર પદમણરા ઘેર : રેંટ ખટૂકે વાડીયાં, ભોંય નીલો નાઘેર :" ઠાકોરો જ્યાં વાજા શાખના રાજ કરતા, વનરાઈ તો જ્યાં આંબાઓની જ ઝૂકી રહી હતી, ઘેરે ઘેરે-ઓ ભાઈ, કોઈક કોઈક વિરલાને ઘેરે નહિ પણ હર‌એક ઘરને આંગણે જ્યાં પદમણી શી રૂપવંતી સ્ત્રીઓના ઘેરા લ્હેરો લઈ રહ્યા હતા, એવા સદાય નીલા, અહોનિશ હરિયાળા નાઘેર નામના સોરઠી કંઠાળ મુલકમાં ઊના દેલવાડાનાં બે ગામ લગોલગ આવેલ છે. 'ઘર ઘર પદમણરા ઘેર' હતા ખરા, પણ રાજેશ્વર બારોટની સ્ત્રીનું રૂપ તો શગ ચડાવતું હતું. ભાટવાડામાં એ રૂપ સમાતું નહોતું. એની છોળો કાંઠા માથે થઈને છલી જતી હતી.

પણ રાજેશ્વર બારોટને ખબર નહોતી કે રૂપને સચવાય કઈ જુક્તિએ. પ્રૌઢ ઉમરે પહોંચી ગયા પછી પરણ્યો હતો. પરણી કરીને ઘર સ્ત્રીને ભળાવ્યું હતું. પેઢાનપેઢીથી સાચવેલા ક્ષત્રિય યજમાનોની વંશાવળીના ને શૂરવીરોની બિરદાવળીના અમૂલખ ચોપડાના પટારાની ચાવીઓ એણે પરણ્યાની પહેલી જ રાતે પત્નીને સોંપી હતી. ઘરાણાં, લૂગડાં, રોકડ નાણું, જે કાંઇ ઘરમાં હતું તેની માલિક એણે સ્ત્રીને બનાવી હતી.