આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫

સૂરોનો સ્વામી


એકબીજીને પૂછતી હતી : 'આ વંઠેલો નથી લાગતો. આ ક્યાં વરણાગીઓ છે ? આની આંખો તો કશેય ભમતી નથી. આ તો એના ગાનમાં ગરકાવ છે.'

પણ નરસૈયાનું કીર્તન દૂર દૂર નીકળી ગયું, સેંકડો કાન ફરી પાછા સુકાઇ ગયા. પહેલો મે પડે તેને શોષી જઇને તપેલી ધરતી જેમ હતી તેવી બની રહે છે, તેમ લોકોનો હૃદય-પ્રવેશ પણ હતો તેવો જ સુકો થઇ ગયો. ને ફરી વાતો ચાલી : 'હોય તો હોય બૈ ! મૂવા કાંસીઆ કૂટે છે ને ઠેકડા મારી મારી ભર બજારે ગાય છે, એ નાગર કુળને શોભે ?'

પછી તો 'ઝાઝા ચાંચડ ઝાઝા જુવા, તીયાં મેતાના ઉતારા હુવા.' અને પહેલીવહેલી સગર્ભા બનેલી એક પંદર વર્ષની વહુવારૂ પોતાના બાપની હાંસી સાંભળતી સાંભળતી શ્રીરંગ નાગરના ઘરને એક ખૂણે અશ્રુ સારતી ઊભી રહી. એનું નામ કુંવરબાઇ.

'તારા બાપને તો પાછું ઊનું પાણી નહાવા જોઇએ છે ?' એમ એ યુવતીને કોઇક કહેતું હતું. કહેનાર સાસુ હતી. 'ઊકાળો પાણી, ને આપી આવો ખદખદતું કે ખો ભૂલી જાય.'

ખદખદતા પાણીની ત્રાંબાકૂંડી પાસે મહેતો નરસૈયો નહાવણ કરવા બેઠો. અંદર હાથ બોળી શકાયો નહિ. એનો એક સાથી ટાઢું પાણી માગવા વેવાણ કને આવ્યો.

'એટલી ય ભાન છે વેરાગીને, કે દીકરીને સાસરે આવીને તો દીન બનવું જોઇએ ! આવીને તરત બસ ટાઢું પાણી ને ઊનું પાણી ! ટાઢું ઊનું ટાઢું ઊનું કરે છે તે બોલાવેને એના વાલાજીને ! હમણાં જ વરસાવશે ટાઢા જળના મેહુલા !'