આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૭૫

સૂરોનો સ્વામી

અમારા ઘરનું હીણું નહિ પડવા દેવાય, આ લે ખરડો, દે તારા બાપને.'

'ભેગા બે પાણા પણ નોંધજો.' એક દાદીએ ટોંણો માર્યો.

'કેમ દાદી મા ?' નણંદે પૂછયું.

'મામેરાનાં આ બધાં વાનાં પવનમાં ઊડી ન જાય તે દબાવવા માટે.'

'શ્રીહરિને મામેરૂં કરવું હશે તો કરશે બાપુ !' એમ કહીને નરસૈયાએ કાગળની લાંબી ટીપ રડતી પુત્રીના હાથમાંથી લઇને પોટલીમાં બાંધી લીધી.

ને ફરી પાછો એ તો ભરબજારે ગાતો ને નૃત્ય કરતો ચાલી નીકળ્યો.

* * *

થોડા મહિના પછી નરસૈયાને ઊનાથી કાગળ મળ્યો :

'ટીપ પ્રમાણે એકેએક ચીજ પહોંચી છે. બે પથ્થરો પણ સોનાના મળ્યા છે. આપની ગરીબાઇની અમે ક્રૂર ઠેકડી કરી તે બદલ સૌ પસ્તાઇએ છીએ. વેવાઇજી, ક્ષમા કરજો.'

'મારો વાલોજી જ અવસર સાચવી આવ્યા. બીજું કોણ હોય ? લ્યો ત્યારે વાલાજીના ગુણો ગાઇએ.'

ફક્ત એટલું જ કહીને નરસૈયાએ તે રાત્રિએ પ્રભુ-ભજનનો ઉત્સવ માંડ્યો. રા'માંડળિકે નરસૈયાનાં ઊના ખાતેનાં બે વધુ પાખંડની વાતો સાંભળી વધુ રોનક અનુભવ્યું. 'મારો બેટો ! આ પણ જબરો ધૂતારો જાગ્યો છે જૂનાગઢમાં.'

* * *