આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
જૂનાગઢના નાગરવાડામાં આવેલા એક ફળિયામાં ગીચોગીચ ઘરો હતાં. તેમાંના એક ઘરની ખડકી ઉપર બહારથી સાંકળ ચડાવીને ઓટલા ઉપર એક રાતે દસ પંદર પુરુષો ઊભા હતા. થોડા જુવાન હતા, બાકીના આધેડો ને બુઢ્ઢા હતા. તેમના હાથમાં લાંબી લાક્ડીઓને નાની જ્યેષ્ઠિકાઓ હતી. તેમણે કછોટા ભીડ્યા હતા. અંધારી રાતનો બીજો પહોર હતો. તેઓ ચોકી કરતા હતા. ચોર બહારથી આવવાનો નહોતો. ચોકી કોઈ અંદરના ચોર ઉપર ચાલતી હતી. ચોકીદારોને કાને અંદરથી એક કોમળ કંઠની કાકલૂદી સંભળાતી હતી.
'કૃપા કરીને ઉઘાડો. પગે લાગું છું ઉઘાડો. એ બીજા કોઇના હાથે પાણી નહિ પીવે. એ તરસે મરી જશે.'
એ કંઠ સ્ત્રીનો હતો. એને ચોકીદારો જવાબ દેતા હતા -
'મરી જશે તો મડદું ઢસડીને ગિરનારનાં કોતરોમાં નાખી આવશું.ગીધડાંનાં પેટ ભરાશે.'
'એવું અમંગળ ઉચ્ચારો મા, કાકા, મામા, ને ભાઇઓ ! એ શ્રીહરિનો ભક્ત તરસે મરી જશે. ને મને પાતક લાગશે.'