આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૮૫

રતન મામી


'તારાં પાતક હજી બાકી રહ્યું હશે-હે-હે-હે-'ચોકીદારો હસતા હતા. 'ધણી બેઠો હતો ત્યારે તો અમારૂં કોઈ જોર નહોતું, પણ હવે વિધવા થઇ છો, નાગરી ન્યાતને બોળવા બેઠાં છો-એક એ ભાણેજ ને બીજી તું મામી ! ન્યાત હવે શું તમારા ઉધામા ચલવા દેશે !-હે-હે-હે- એતો ધણી ચાલવા દિયે, ન્યાત ન ચાલવા દિયે.'

'શ્રી હરિ ! શ્રી હરિ ! હે વાલા દામોદરરાય !' અંદરથી એ સ્ત્રી જેમ જેમ રાત જતી ગઇ તેમ તેમ કાકલૂદી છોડીને આવા ઇશ્વર નામના ઉદ્ગારો રટવા લાગી. રાત કેમેય વીતતી નથી. રાતના પગમાં જાણે કોઇએ મણીકાંના ભાર બાંધી દીધા છે. 'શ્રી હરિ ! શ્રી હરિ ! હે મારા વાલા દામોદરરાય ! એને મરવા દેજો મા. એને મુખે પાણી પોગાડજો. એનું હવે કોઇ નથી રહ્યું. એ બીજા કોઇના હાથનું જળ નહિ બોટે.' સ્ત્રીએ ઝંખ્યા જ કર્યું.

'આજ આપણે એ જ પારખું કરવું છે,' ચોકીદારો વાતો કરતા હતા; 'કે એ શઠ આ રતનના હાથના પાણી વગર પ્રાણ છાંડી શકે છે ? કે પાણીની ટબૂડી તો ફક્ત આ કુલટાનાં કુકર્મ ઢાંકવાનું બહાનુ જ છે ?'

'જે હશે તે પ્રાતઃકાળે જ પરખાઇ જશે.'

'ત્યાં તો એ પાખંડીના ભજન-સમારંભમાં તો પૂરી કડકાઇ રાખી છે ને, કે કોઇ બીજું આવીને એને પાણી ન પાઇ જાય.'

'ત્યાં તો જડબેસલાક કામ છે.'

રાત ગળતી હતી. ને ઓરડમાંથી 'શ્રી હરિ ! શ્રી હરિ ! હે મારા વાલા દામોદરરાય ! મારાં કાજ સારી જજો ! હે વિઠ્ઠલા, વહેલા થજો.' એટલા જ જાપ જપાતા હતા.