આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પચીસમું

૧૮૬


રાત ભાંગતી હતી : ને ઓરડામાંથી વિલંબિત સૂરે 'હે...હરિ ! હે...દામો...' એટલા જ સૂરો ચાલતા હતા.

રાતનો છેલ્લો પહોર બેસતો હતો-ને ઓરડામાંથી સૂરો આવતા અટકી ગયા હતા.

'રંડા સૂઇ ગઇ લાગે છે થાકી થાકીને.' ચોકીદારો બોલતા હતા.

છેલ્લો પહોર પૂરો થવા પર આવ્યો હતો ત્યારે બીજા પાંચ-દસ જણા દોટ કાઢતા એ નાગર-ફળીમાં આવી પહોંચ્યા. તેઓ ગાભરા સ્વરે બોલી ઊઠ્યા,-

'કેમ આમ થયું?'

'કેમ ભાઇ ?'

'તમે ક્યાંઇ આડા અવળા થયા હતા ?'

'ના રે.'

'ઝોલે ગયા હતા ?'

'અરે હટકેશ્વરની દુવાઇ. એક મટકું પણ કયા સાળાએ માંડેલ છે.'

'રતન અંદર જ છે ?'

'ક્યારની ઘોંટી ગઇ છે.'

'પણ ત્યારે આ શું કહેવાય ? ત્યાં તો હમણાં જ એ પાખંડીને રતન પાણી પાઇ ચાલી ગઇ.'

'ઘેલા થયા ઘેલા ! ભાન ભૂલી ગયા લાગો છો.'

'અમે ભાન ભૂલી ગયા, પણ હજારો માણસોની નજર શું જૂઠી ?'