આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૧૯૧

રતન મામી

મારી તો મનની મનમાં રહી ગઇ છે. ચાલો બહાર ચાલો, હું પ્રજાને પાકી ખાત્રી આપું -પાકે પાકી- કે નરસૈયાનાં રોનક તો હું જ હવે પૂરાં કરીશ.'

રા'નું ડોકું જ્યારે ગોખની બહાર દેખાયું, ત્યારે ઉપરકોટના અંદરના વિશાળ ચોગાનમાં કીકીઆરા કરતી ઠઠ હુકળતી હતી. ને એ ઠાંસામાંથી એક ટોળું આગળ ધસી મોખરે આવવા મથતું હતું. ટોળું મોખરે આવ્યું ત્યારે એમના હાથમાં ઝકડાએલો એક માણસ હતો. એના શરીર પરની પોતડી અને ઉપરણી, એ બે કપડાં પણ લીરેલીરા થઇ ચૂક્યાં છે : એના હેમવરણા દેહ પર માથાની અને કપાળની ફુટમાંથી લોહીના રેગાડા ટપકે છે : પીટાએલ દેહ ઊભો રહી શકતો નથી. છતાં એ માથું ટટાર રાખીને રા'ની સામે જોવા મથી રહ્યો છે.

'આ પાખંડી : આ મેલા મંત્રોનો સાધનારો : આ વ્યભિચારનો અખાડો ચલાવનારો : દંડ દ્યો રા' ! શિરચ્છેદ કરો રાજા ! નીકર ગિરનારનાં શૃંગો તૂટશે. ભૂકમ્પો થશે. દટ્ટણ પટ્ટણ થશે.' એક નગરજનનો ભૈરવી આવાજ આવા બોલ બોલતો હતો.

'એને-' રા'એ ઊંચે ઝરૂખેથી હાથ હલાવ્યો : 'બંદીગૃહે નાખો કોટવાલ ! એનો શિરચ્છેદ કરવો કે બીજી કોઇ ભૂંડી રીતે મારવો તે આજ નક્કી થશે. પ્રજા વિશ્વાસ રાખે.'

એટલું બોલીને રા' ઊભા રહ્યા, લોકમેદનીના હર્ષલલકાર ને 'જય હો જૂનાના ધણીનો ! જય હો શંભુના ગણનો' એવા જયજયકાર ગગનને વિદારી રહ્યા.

રા' સૌની સામે હસ્યો, એનું ડોકું ગોખમાંથી અદૃશ્ય થયું, નરસૈયાએ ગોખ પરથી આંખો ઉપાડી લઇ, એથી થોડે દૂર દેખાતા બીજા એક શુન્ય ગોખ પર મીટ માંડી...ને ત્યાંથી દૃષ્ટિ ઠરી