આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છવીસમું

૧૯૬

મેલી ગયાં. મને કહ્યું પણ નહિ. મને જરીક ચેતવ્યો હોત ! આ પાણી છેલ્લી વારનું છે એટલું ય જો મને ગઇ રાતે કહ્યું હોત !'

આંહી નરસૈયો ન્યાયકર્તાના સવાલનો જવાબ નહોતો દેતો, પણ એની આંખો આખી કચેરી પર દસે દિશ ભમતી હતી ને એ બોલતો હતો. માણસો એની આંખોમાં દડ દડ વહેતી અશ્રુધારા દેખતાં હતાં. અનેક પ્રેક્ષકો એની મજાક મશ્કરી કરવા આવેલાં છતાં રતનમામીની વાત પર નરસૈયાના મોં ઉપર ઘોળાતી કરુણાદ્રતા નિરખીને તેઓ પણ અનુકમ્પાયમાન થયાં.

રા'એ પૂછ્યું : 'હેં ભક્તજી ! તમે તો ગો-લોકમાં વિચરી આવ્યા છો, હરિનું રાસમંડળ નજરે જોઇ આવેલ છો, તો તમે ત્યાં અપ્સરાઓ પણ જોઇ હશે ને ? અપ્સરા કેવી હોય, વર્ણવી તો દેખાડો.'

'બાપ, મને ખબર નથી. મેં જોઇ નથી. મને ભાસ થયો કે હું હરિની પુરીમાં ગયો. પણ મેં ત્યાં બે જ જોયાં છે. એક કૃષ્ણ ને એક રાધિકા.'

'રતન મામી તો હવે અપ્સરા થશે ને?'

'મને શી ખબર મહારાજ ?'

'અને હેં ભક્તરાજ !' રા'એ પૂછ્યું :'રાજકુટુંબમાંથી તમને કોઇક મનભાવતી છૂપી મદદ પહોંચાડે છે એ વાત સાચી ?'

'કોણ મદદ પહોંચાડે છે ને કોણ નહિ, એ મને કશી ખબર નથી. મદદ તો મારા વાલાજી વગર કોણ કરે ?'

'વાલા વાલાની વાત કરતો હવે સીધું બોલને શઠ !' રા'ના દાંત કચકચતા હતા. માંડળિકની આવી આછકલી તબિયત પ્રજાએ કદી નહોતી દીઠી.