આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છવીસમું

૧૯૮

ઝીણવટથી જાણે સ્પર્શ કરતી હતી.આટલો કોમળ દેહ, નાગર માતપિતાનાં પરમાણુંમાંથી નીપજેલો આ હેમવરણો દેહ : અડતાં પણ જાણે એની ગુલાબ-પાંદડીઓ ખરી જશે એવી બ્હીક લાગે : જોતાં પણ એની ઉપર આપણી જ પોતાની નજર લાગશે એવી ચિંતા લાગે.

એ શરીર પર કાલે કુહાડો ઉતરશે ?

અત્યાર સુધી લોકોને તમાશો હતો, હવે લોકોને હેબત બેઠી.

નરસૈયો તો રા'નો હુકમ વંચાયો ત્યારે પણ જેવો ને તેવો જ ઊભો હતો. લોકોમાંથી કેટલાકને હજુ આશા હતી કે નરસૈયો તો રા'ને શરાપી ત્યાં ને ત્યાં ભસ્મ કરશે. પણ આ અપમાનની ઝડીઓ ઝીલતો નરસૈયો દિવ્ય તેજથી પરવારી ગયેલો લાગ્યો. નરસૈયાને બંદીવાસમાં પાછો લઇ ગયા ત્યારે લોકો ટીખળ કે ઠઠ્ઠા ન કરી શકયા. સૌને થયું કે નરસૈયો રાતમાં ને રાતમાં કાંઇક ચમત્કાર કરે તો સારૂં.

કોઇને એમ ન થયું કે એ ચમત્કાર કરે તે કરતાં આપણે જ આ અધર્માચારની સામે થઇને રા'ને ઘોર પાતકમાંથી ઉગારીએ.

નરસૈયો પોતેજ કાંઇક પરચો બતાવે એ આશા વગર બીજું લોકબળ ત્યાં બાકી રહ્યું નહોતું.

હાથમાં કડી ને પગમાં બેડીઓ: એના ઝંકાર નરસૈયો બંદીવાસ તરફ જતો હતો ત્યારે એના પગલે પગલે સંભળાતા હતા. કોઇ કહેતું હતું કે ઝંકાર તાલબંધી હતા. નરસૈયો હાથમાં કરતાલ લઇને ગાતો અને નેવળ પગમાં પહેરી નૃત્ય કરતો ત્યારે જે રૂમઝુમાટ નીકળતા તેને જ મળતા આ ઝંકાર હતા. મનમાં મનમાં એ શું કાંઇક ગાતો જતો હતો ?

રાત પડી. પ્રહર દોટદોટ પગલે ચાલવા લાગ્યો. પહેલા પહોરે પ્રહરીઓએ રા'ને ખબર દીધા કે બંદીવાસમાં કેદી ચૂપચાપ બેઠો છે.