આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
મોણીઆ ગામ ઉપર ભળકડીઓ તારો ઝબુકતો હતો. અને ચોરાઓમાં, ઉતારાઓમાં, ઘરે-ઘરનાં આંગણામાં કાળી, કાબરી ને સફેદ મૂછ દાઢીવાળાઓ, ડોકમાં માળાઓ ને કમરમાં કટારીવાળાઓ, ચોખ્ખા ફૂલ ચહેરાવાળા ને દૂધમલ દેહ વાળા, વંકી ભુજાઓ વાળા ને શાવઝ શી કટિવાળા પડછંદ પુરુષોનાં વૃંદેવૃંદ સૂતાં હતાં.
જાગતાં હતાં ફક્ત બે જણાં. એક આઇ નાગબાઇ ને બીજો જુવાન પૌત્ર નાગાજણ.
નાગાજણ ઘોડાના તંગ કસતો હતો. નાગબાઇ ઓશરીની થાંભલી ઝાલી ઊભાં હતાં.
'ત્યારે આઇ, હું જઇ આવું છું.' નાગાજણે નાગબાઇને ટૂંકું જ બાક્ય કહ્યું.
'કિસે જાછ બાપ ?'
'જૂનેગઢ. રા'ને કસુંબો પાવા.'
'આજ કંઇ જવાય દીકરા ? આખી ચારણ ન્યાત તુંને પટલાઇની પાઘડી બંધાવવા ઘરને આંગણે આવી પડી છે.'