આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું

૨૧૦

'પણ આઇ, રા'નો કસુંબો કંઇ થોડો મોડો કરાય છે ?'

'રા' મોટો કે નાત મોટી, હેં બાપ નાગાજણ ?'આઇ જાણે મહામહેનતે શાંતિ સાચવીને બોલતાં હતાં.

'આજ આમ કાં બોલો આઇ?'

'હું સમજી વિચારીને ભણું છું ભા ! આપણે તો ધરતીનાં છોરૂ. આપણી સાચી શોભા ને રક્ષા તો આપણા જાતભાઇઓના જૂથની.'

'ત્યારે શું હું રા'ને અપમાનું?'

'તયેં શું તું ન્યાતને અપમાનીને જાઇશ ? સવારે પહેલે પોરે મૂરત છે. ને મૂરત ચૂક્યે એક ય જણ તારે આંગણે ઊભો નહિ રે'.'

'મને ન્યાતપટેલ કરવાની સાડી સાત વાર ખેવના હોય તો ન્યાત ભાઇઓ રોકાય. રા'થી કાંઇ કોઇ મોટો નથી.'

'સૌ પોતપોતાના ઘરનો રા' છે. ચારણ કોઇ રાજાબાદશાનો ચાકર નથી. ચારણ દેવ લેખે પૂજાય છે, કારણ કે એણે રાજાબાદશાના મોહનો અંધાપો અળગો રાખેલ છે.'

'તો આઇ, મને થોડાં વરસ પહેલા કહેવું'તું ?'

'તું ને હું શું ભણું ભા ?' આઇની આંખો પૂરેપૂરી તો આજ પહેલી વાર ઉઘડી : 'તુંને જે ભણવાનું હતું તે તો હરદમ મારા હૈયામાં હૂતું મારા દેદારમાં હૂતું, ,આરી આંખ્યોમાં ને કાયાના રૂંવાડે રૂંવાડામાં હૂતું. પણ તુંને મારા મનની વાણી વાંચવાની આંખો ક્યાં હૂતી ? વિચાર, વિચાર, હજી ય વિચાર ને વિમાસ્ય નાગાજણ, મારો નાગાજણ જૂનાના રા'નો ખવાસ નો'ય, મારો નાગાજણ તો ચારણોની ન્યાતનો સેવક હોય ઇ જ શોભે. હિંદુ મુસલમાનનાં વરણ માત્ર ચારણને નમે છે ત તો એનાં તપ અને તેજને નમે છે.'