આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ અઠ્ઠાવીસમું

૨૨૦

'મને તો જમિયલશા સાંઇએ પણ ત્યાગ્યો છે. કાંઇ ફિકર નહિ. મેં એને અપ્સરાઓનું પૂછ્યું તેમાં તો બુઢ્ઢો છેડાઇ પડ્યો. તો શું થઇ ગયું ? તો હવે મને કૈક રૂપકડા ફકીરોનો સમાગમ થઇ ચૂક્યો છે, એમણે મને કહ્યું છે-'

'શું કહ્યું છે ધણી ?'

'એ હું તમને શા સારુ કહું ? ત્યાં ય પાછા તમે ઝૂંટવવા તૈયાર રહો, કાં ને ? એ નહિ કહું. એમના ધરમમાં શું શું આશાઓ ને દિલાસાઓ છે, તે હું કોઇને નહિ કહું.' કહેતે કહેતે રા'નાં નેત્રો ચમકારા કરવા લાગ્યાં. રા'ના મોંમાં અમી છૂટવા માંડ્યું. રા'એ હોઠ ઉપર જીભ ફેરવીને હોઠ પલાળ્યા. રા' પોતાને જડેલું કાંઇક અણમોલું રહસ્ય પોતાના અંતરને વિષે પંપાળવા લાગ્યા.

વેળ ઘણી વીતી ગઇ.પોતાને ઘેરે ન્યાત મહેમાન છે એમ કહી નાગાજણે રા'ની રજા લીધી.

નીચે જઇને નાગાજણ જ્યારે ઘોડે ચડ્યા ત્યારે રા'ગોખમાં ઊભા ઊભા જોતા હતા. નાગાજણે રાંગ વાળી કે તૂર્ત જ ઘોડો કંઇક એવા રૂમઝુમાટ કરવા લાગ્યો કે રા'એ ઉપરથી હાક મારી : "એ દેવ, જરી ઊભા રેજો.'એમ કહેતો પોતે બે બે ને ત્રણ ત્રણ પગથિયાં ઠેકતો નીચે ચોગાનમાં આવ્યો ને ઘોડાની માણેકલટ પંપાળવા લાગ્યો : પૂછ્યું 'આ રૂપ ક્યાંથી હેં દેવ ?'

'બાપ, ન્યાતે મને દીધો.'

'આના પર મારું દિલ ઠરે છે.'

'દિલ ઠરે એવો જ છે બાપા. પગે હાંકતો નથી પણ પાંખે ઊડે છે એવી એની હાલ્ય છે. આજ જો આ ઘોડો રાંગમાં ન હોત તો આપની પાસે હું આટલો વ્હેલો પોગત નહિ.'