આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૨૩

દોસ્તી તૂટી

'જોગમાયા તમને ઘોડી સાટે ઘોડો દ્યે છે.'

બહારવટીઆએ નાગાજણની સામે જોયું. 'રા'ના ભાઇબંધ ! બુઢ્ઢાની ઠેકડી કરો છો ? આખરે તો તમે સૌ રાજપૂતોના સરખા પૂજનીય છો એ ન ભૂલશો.'

'માટે જ કહું છું સરવૈયાજી ! કે ઊઠો, ને જૂનાગઢ ભાંગો આ ઘોડાની પીઠ પર બેસીને.'

'સાચું કહો છો ?' બહારવટીઆની વૃદ્ધ આંખો સહેજ સેજળ બની. રા'ની સાથે તમારે વેર થાય...'

'મારી ફિકર કરો મા, ને ઊઠો. માતાજીએ ઘોડો આપી વાળ્યો.'

* * *

તે દિવસની સાંજે ગોધૂલિ વેળાએ જૂનાગઢની ઊભી બજાર ચીરતો એક ઘોડેસ્વાર કોઇને ભાલે પરોવતો, કોઇને ઝબોઝબ ઝાટકા મારતો, દુકાનો ખેદાન મેદાન કરતો આરપાર નીકળી ગયો, અને રાતના મશાલ ટાણે રા'ને સમાચાર પહોંચ્યા કે બહારવટીઆ વીકાજી કાકાની રાંગમાં નાગાજણ ગઢવીનો એ જ ઘોડો હતો, જે રા'ને આપવાની નાગાજણે સવારે જ ના પાડી હતી.

* * *

નાગાજણ ઘેર પહોંચ્યો ત્યારે ચારણ દાયરો પોતપોતાને ગામ ચાલી નીકળ્યો હતો. સમાચાર મળ્યા કે પોતને તરછોડી જનાર નાગાજણ પ્રત્યે ઊંડું મનદુઃખ લ ઇને જતા રહ્યા હતા. એ કાંઇ બોલ્યા ચાલ્યા વગર ઘરમાં પેસી ગયો. નાગબાઇએ પણ જીભને સીવી લીધી હતી.