આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ત્રીજું

૧૪


નહોતી, એ બાળકને એણે ભાટના રૂંછડીયાળા કાળા કાળા હાથના પંજામાંથી ઉપાડી લીધું-કાંટાળી વાડમાંથી કૂંણું એક કોઠીંબડુ ઉતારી લે તેટલી નરમાશથી.

લઈને બાઇએ બાળકને છાતીએ તેડ્યું. પૂછ્યું "આ શું કરી રીયા છો બાપ ?"

"ત્રાગું."

"આવું તે કાંઈ ત્રાગું હોય મોળા (મારા) વીર ?"

"આઇ, અમારે ભાટુંને માથે કેદી ય નો'તી થઇ તે થઇ છે. અકેકાર ગુજર્યો છે."

"મું ઇ જાણેને જ આવી છું મોળા વીસામા, પણ આ ગભરૂડાંનાં લોયનાં ત્રાગાં હોય કે'દિ ?"

એમ બોલતી બોલતી એ અજાણી સ્ત્રી પોતાને હૈયે ભીડાએલા બાળકનું માથું પંપાળીને આખે અંગે, છેક પગ સુધી પંજો ફેરવે છે. બાળકના ફફડાટ એના કલેજામાં પડઘા પાડે છે. બીજાં નાનાં છોકરાં ઉપર એની મીઠી નજર રમે છે.

એ નજર એક પલકમાં રંગો બદલીને ભાટોને પૂછે છે, "કીસે ગો' તમારી વહુવારૂનો ચોર ? ક્યાં લપાઈ બેઠો છે ?"

"આ સામો કળાય એ રાજગઢમાં."

"ઓલી અધૂધડી બારી દરશાય ત્યાં ?"

" હા આઇ."

"ઠીક બાપ. ભલકાં ઉપાડી લ્યો. છોકરાં સંતાપવાં નથી. તમારાં ભાટુંનાં ત્રાગાં સંકેલી લ્યો, વધાવી લ્યો."

ભાટોને સમજ પડી નહિ. મૂંઝાઈને ઊભા રહ્યા.