આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૩૧

મું સાંભરીશ માંડળિક

તે દિ મને તું સંભારીશ માંડળિક, જે દિ,

નૈ વાગે નીશાણ
નકીબ હુકળશે નહિ
હુકળશે અસરાણ
(આંહી) મામદશાનાં માંડળિક.

તારાં ડંકાનિશાન પર પડતાં ચોઘડિયાનાં ધ્રોસા બંધ થાશે, ને આંહી સુલતાન મામદશાના માણસો એની એલી કરશે.'

'હાં, બીજું બુઢ્ઢી ? બીજું શું જોછ ?'

જોઉં છું બાપ, કે-

પોથાં ને પુરાણ
ભાગવતે ભાળશો નહિ
કલ્માં પઢે કુરાણ
તે દિ' મું સંભારશ માંડળિક !

'આ તારી ધરમની પોથીઓ, વેદ, ભાગવત, ને પુરાણો વંચાતાં ને લાખોની મેદનીને સંભળાતાં બંધ થશે. આંહીંતો મુસ્લિમો કલ્માં ને કુરાનના પાઠ કરશે.'

'તારી એકેએક વાત ખોટી ઠેરવીને તારી જીભ ખેંચી નાખીશ બુઢ્ઢી, ટાબરીઓ મામદશા ગઢને માથે હાથ નાખી રિયો.'

'ગર્વ મ કર, મદનાં વેણ મ બોલ માંડળિક, તું મને સંભારીશ તેદિ', જે દિ

જાશે રા'ની રીત
રા'પણું ય રે'શે નહિ
ભમતો માગીશ ભીખ,
તે દિ' મું સંભારીશ માંડળિક !