આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૨૪૫

'ઓ ગિરનાર !'

ગુન્હો છે. એ કરતાં કયો મોટો ગુન્હો છે ? તારી મૂર્તિપૂજા એ કાંઈ જેવી તેવી બેઅદબી છે ? તું સુખ ચાહે છે માંડળિક ?'

'બસ-બસ-હું સુખ જ ચાહું છું સુલતાન.'

'તો ચલો મારી સાથ અમદાવાદ, પાક ઇસ્લામ ધર્મની દીક્ષા સ્વીકારો...'

સાંભળતાં જ રા'ને જાણે વીંછી ડસ્યો. એની દૃષ્ટિ કુંતાદેએ દીધેલ હીરાકણીની વીંટી પર પડી. સુલતાનનો ગુપ્ત મનસૂબો આટલી હદે ચાલતો હશે એની રા'ને ઊંડામાં ઊંડી પણ શંકા નહોતી આવી.

'ભલે નામવર ! વિચાર કરી જોઉં. કાલે પ્રભાતે ખબર દઈશ.'

રાતોરાત એ નાઠો. મોત કરતાં ય વધુ વિકરાળ કોઈ મારણ તત્ત્વ એની પાછળ પડ્યું હતું. એ મારતે ઘોડે ઊપરકોટ પહોંચ્યો.

એણે કુંતાદેને કહ્યું 'ચાલો જલદી, ચાલો ઊંચા ગિરનારના ગઢમાં. મને સુલતાન વટલાવવા આવે છે. મને સ્વપ્નેય ધારણા નહોતી.'

ઊપરકોટથી ન્હાસી ગિરનારના માથેના ઊપરકોટમાં રા' ને રાણી પેસી ગયાં. અને 'અમારા રા'ને મુસલમાન કરે છે' એટલી વાત જાણીને વસ્તી જાગી ગઈ. રા'ના બધા જ અપરાધ વસ્તીએ વિસારી દીધા, તલવારો ઝાલી, મરણીયાપણાનો તોર ધર્યો અને દામાકુંડથી તળેટી સુધી, તળેટીથી છેક ગઢગિરનાર (ઉપરનો કોટ) સુધી પરબે પરબે હિંદુ સૈન્યની કતારો લાગી પડી. બે જ દિવસમાં તો ગીર, નાઘેર અને બીજાં પરગણાં સળવળ્યાં. સૈન્યનાં કીડીઆરાં ઊભરાયાં. પહાડોનાં ટૂંકમાંથી તાપ પડ્યે ઝરણાં ફુટે તેમ સુલતાનના બદઈરાદાનો તાપ પડતાં પહાડે પહાડ પરથી લોક ઊભરાણાં. ભરતવન, શેષાવન, બોરદેવી ને બીજા ગાળેગાળા સજીવન બન્યા.