આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોથું
ચૂંદડીની સુગંધ


ના દેલવાડાનો દરવાજો જ્યારે ચારણીના લોહીથી ન્હાતો હતો, ત્યારે વાજા ઠાકોર વીંજલજીના ગુશલખાનામાં ભાટ-રાણી તેલ અત્તરનાં મર્દને અંઘોળ કરતી બેઠી હતી.

એ તેલ, એ અત્તર, મર્દન અને ગુશલખાનાંનો એ શોખ સોરઠને કાંઠે નવો આવ્યો હતો. મોખડા ગોહલના પેરંભ પર ત્રાટકેલી મુસ્લિમ પાદશાહત સૌરાષ્ટ્રના સાગર-તીર પર ઠેઠ પ્રભાસ પટ્ટણ સુધી ફરી વળી હતી. સોરઠની કંઠાળી રાજઠકરાતોને ઇસ્લામની તલવારે પોતાની ધાર હેઠળ કાઢી કરીને વિલાસના એ બધા નવા લ્હાવા ચખાડ્યા હતા. સુરૈયાઓ ખુશબોની પેટીઓ લઈ ગામોગામ ઘૂમતા. મશરૂ અને મલમલો મીઠાં થઈ પડ્યાં હતાં. રાજપૂતો જીંદગી માણતાં શીખ્યા હતા.

"હું -હું તમને મારા સગા હાથે મર્દન કરી નવરાવું." વીંજલ ઠાકોર ગુશલના ઓરડાનાં કમાડ ભીડવા દેતો નહોતો.

"આજ નહિ, આજે તો જોવો, મને આવડે છે કે નહિ ? ન નાઇ જાણું તો કાલ નવરાવજો !" ભાટ-રાણી કમાડ ભીડવાની રકાઝક કરતી હતી.