આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ ચોથું

૧૮


એ ધમાચકડીમાં હારેલો વીંજલ ઠાકોર ગુશલખાનાની બહાર વાટ જોઈ બેઠો હતો. અંદર ચોળાતું શરીર અંગોઅંગના મર્દન-ધ્વનિ સંભળાવતું હતું. એ રૂપાળી કાયાના મસળાટને કાન માંડતો રાજા બીજી બધી વાતે બેભાન હતો. ને પવનની લેરખી એની બંધ બારીને હળવો ધક્કો મારી ચારણીની ચૂંદડીને ક્યારે મેડીની વળગણી પર લટકાવી ગઈ તેનું એને ભાન નહોતું રહ્યું. દરવાજે મચેલા મામલાની એને ગતાગમ નહોતી. ભાટોના કાળા કળકળાટ બંધ પડ્યા હતા.

"ચૂંદડી-મારી ચૂંદડી દ્યોને દરબાર !" અંદરથી ભાટ-રાણીએ ચૂંદડી માગી ત્યારે છેલ્લાં પાણી એની કાયા ઉપરથી ઢળી જતાં કનોકન જાણે વાતો કરતાં હતાં.

ઓરડો કોઈ અવનવી અને અલબેલી માદક સોડમે મ્હેકતો હતો.

"બહાર આવો, જાતે પહેરાવું."

બહાર આવે, તો તો ચૂંદડીને ઓળખી પાડે. ચૂંદડી અજાણી હતી. પણ એણે અંદર રહ્યે રહ્યે જ આજીજી કરી "આ ફેરે તો ત્યાંથી જ આંહી ફગાવી દ્યો."

"વાહ ચૂંદડી ! ખુશબોદાર ચૂંદડી ! ક્યારે વોરી આ ચૂંદડી ? અને કયે અતરીએ આવા અરક આણી આપ્યા ?"

એવું કેફ-ચકચૂર વેણ બોલતે બોલતે વીંજલે વળગણીએથી ચૂંદડી ખેંચીને મ્હોં ઉપર ફૂલોનો હાર દબાવતો હોય એમ દબાવી ચૂંદડી સુંઘી, ને અંદર ઘા કર્યો.

"આ ઓઢણી કોની ? આ તો મારી નહિ." અંદરથી કોચવાતો અવાજ આવ્યો.

"તમારી નહિ ? કોની ત્યારે ?"