આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું
માંડળિકનું મનોરાજ્ય

"ગિરનારની આસપાસ રાસમંડળ રમતી હોય એવી ડુંગરમાળામાંથી આજે જેને દાતારનો ડુંગર કહેવામાં આવે છે તેની તળેટીમાં એક જુવાન પુરુષ એક બુઢ્ઢા આદમીથી જુદો પડતો હતો. અજવાળી સાતમનો ચંદ્રમા એ વૃદ્ધની રૂપેરી લાંબી દાઢીને પોતાના તેજમાં ઝબકોળતો હતો અને આ જુવાનના કમ્મર સુધીના અધખુલ્લા દેહની છાતી ઉપર ઝળહળતાં રત્નો સાથે કટારના ખેલ પણ કરતો હતો.

"કાંઈ અંદેશો તો નથી ને રા'?" બુઢ્ધાએ દાઢી પર પંજો પસારીને હસતાં હસતાં પૂછ્યું.

"નહિ સાંઈમૌલા," જુવાને જવાબ દીધો. "મારામાં સત હશે ત્યાં સુધી હું અંદેશો શા સારુ રાખું? બાકી તો જમાનાનાં પૂર હું કેમ કરીને ખાળી શકીશ? તમે તમારે સુખેથી રહેઠાણ કરો, તમે તમારો ધર્મ પાળો, હું મારો પાળીશ."

"ધરમ એક જ છે રા' ! ઇન્સાનિયત; ઈન્સાનની ચાકરી."

"બસ, બસ, અમારા બ્રાહ્મણો ને સાધુઓ એ જ ધરમને ચૂક્યા છે. આજ સુધી કોઢીઆં અને પત્તીયાં સડેલાં શ્વાનોની માફક