આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું

૩૨


એ મોતની મીઠી લાવણી એણે મારગને કાંઠે સાંભળી. નાનકડા એક નેસડામાંથી , પરોડને પહેલે પહોરે એને કાને કોઇક નારી-કંઠના મરશીયા પડ્યા. એણે ઘોડો થંભાવ્યો. ધરાઇ ધરાઇને રોણું સાંભળ્યું. રોણું પૂરૂં થયે એણે ઘોડો નેસમાં લીધો. પૂછ્યું "કોણ ગાતું'તું મરશીયા?"

"બાપ, હું હતભાગણી ગાતી'તી. અપશુકન થયાં તું વીરને? આંસુ ભીંજેલી એક ડોશીએ ઓસરીમાં આવીને કહ્યું.

"ના આઇ ! સાચાં શુકન સાંપડ્યાં. જોગમાયાનાં બાળ છો?"

"હા બાપ, રંડવાળ્ય અને વાંઝણી ચારણ્યોનો અવતાર છે મારો."

"કોના મરશીયા કહેતાં'તાં આઇ?"

"છોકરાના. પેટના પુતરના. પંદર જમણ પૂર્વે પાછો થીયો છે. એકનો એક હતો."

"જીવતે લાડ લડાવનારી મા ! મૂવા પછી ય શું તું બાળને આટલો લડાવી જાણ છ?"

"માનો તો અવતાર જ એવો કરી મૂક્યો છે ને ભાઇ!"

"આઇ ! મારા ય એવા મીઠા મરશીયા કહેશો ? મારે સાંભળતા જાવું છે."

"અરે મારા વીર ! તારા મરશીયા ? તું જીવતે? તને જો મુવો વાંછું તો ચારણ્ય આવતે ભવે ય દીકરો પામું ખરી કે?"

"મા, હું જીવતો નથી. જગતે મને મૂવો જ ગણ્યો છે. હું તો મસાણને મારગે જાતું મડું છું. હું એવે ઠેકાણે જાઉં છું, કે જ્યાંથી જીવતા પાછા આવવાનું નથી. મોતને તેડે જાઉં છું."