આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ પાંચમું

૩૬


 તું પડતે પડિયા
હર, શશીયર, હીમાપતિ
છો ચૂડા ચડિયા
ભજે તોય ભાંગ્યે ભીમાઊત !

તારા પડવા ભેળા જ પટકાઇ પડ્યા, એક શંભુ પોતે, બીજો શંભુનો વરદાનધારી ચંદ્રમા, ને ત્રીજા હીમાચળના ધણી પ્રજાપતિ પોતે. એક તારી ભુજાઓ ભાંગતે તો એ ત્રણેની સ્ત્રીઓના છ યે હાથના ચૂડા ભાંગ્યા. ત્રણે રાંડી પડી,

 વન કાંટાળાં વીર!
જીવીને જોવાં થીયાં
આંબો અળવ હમીર
મોરીને ભાંગ્યો ભીમાઊત !

ઓ મારા વીરા ! તારા જેવો આંબો, શૂરાતનની શીતળ ઘટા પાથરવા જેવડો થાય તે પહેલાં, જ્યાં મોર બેઠા ત્યાં જ ભાંગી પડ્યો. હવે મારે સંસારમાં શો સ્વાદ રહ્યો ? હવે આંબાનાં દર્શન ક્યાં પામવાં છે? હવે તો જીવવું છે ત્યાં સુધી કાંટાળા ઝાડવાંથી ભરેલાં જંગલો જ જોવા રહ્યાં છે. હવે તો સોરઠની ધરા માથે ઊભાં છે એકલાં ઝાળાં ને ઝાંખરાં.

'દેવડી !' રા'એ સતાર ધીરેથી નીચે મૂક્યો ને કહ્યું, 'તારા કાકા જેવું મંગળ મોત કોને મળશે? આજ કાલ કોનાં પ્રારબ્ધમાં આબરૂભેર અવસાન પણ રહ્યાં છે ? હે રૂદ્ર ! મસાણના સ્વામી હે મહેશ ! તારે ખોળે...'