આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છઠ્ઠું
ગંગાજળિયો

વાર હજી પૂરૂં પડ્યું નથી. હમેંશા પ્રભાતે ઠેઠ કાશીથી આવનારી ગંગાજળની કાવડની રાહ જોતો રા'માંડળીક સ્નાન વિહોણો બેઠો છે. કોઇ કહે છે કે છેક કાશીથી જૂનાગઢ સુધી રોજેરોજ રા' માંડળિક માટે ગંગાજળની કાવડો ચાલતી. એ કાવડના ઉપાડનાર કવડિયા પલ્લે પલ્લે બદલાતા આવતા. એ રોજ તાજા આવતા ગંગાજળે સ્નાન કરતો તેથી ગંગાજળિયો કહેવાયો છે; ને કોઇ કહે છે કે ગંગાજળની ને કાશ્મીરનાં ફૂલોની એ છાબડી લઇને રોજેરોજ આવતી કાવડ તો સોમૈયા દેવનાં સ્નાનપૂજન માટે જ ગોઠવાઈ હતી, એટલે ગઢ જૂનાનો રા' તો એ સોમૈયા દેવની કાવડનો રખેવાળ, ઉપાડનાર હોવાથી ગંગાજળિયો કહેવાણો છે. કાવડના રખેવાળો ને ઊંચકનારાઓ દર થોડા થોડા ગાઉને પલ્લે બદલાતા આવતા, રા'નું રખોપું સોરઠમાંથી શરૂ થતું. હિંદુ રાજાનો એ મહિમા હતો.

કોણ જાણે. પણ રા' માંડલિક ગંગાજળની કાવડની વાટ જોતો બેઠો હતો. સૂરજનું ડાલું હજુ સહસ્ત્ર પાંખડીએ ઊઘડ્યું નહોતું. તે વખતે ઉપરકોટની દેવડી ઉપર નીચેથી કાંઇક કજિયો મચ્યો હોય તેવા બોલાસ આવવા લાગ્યા. તરવારનો કજિયો તો નહોતો એની રા'ને ખાત્રી હતી. તરવારની વઢવેડ બોકાસાં પાડી પાડીને નથી થાતી.