આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ છઠ્ઠું

૪૦


બ્રાહ્મણો શરમાયા.

'સંસ્કૃતમાં ગાળો દેવાની ઠીક મઝા પડે, ખરૂં ને દેવો?' રા'એ વિનોદ વધાર્યો. 'છે શું?'

'આ છે કજિયાનું મૂળ મહારાજ!' પાંચેક હાથો એકસામટા ઊંચા થયા. એ પાંચે હાથોએ ઝકડીને ઝાલેલો હતો એક સોનાનો હાથી. 'આની વ્હેંચણ કરી આપો રાજન!

'અટાણમાં કોણ ભેટ્યો આવો દાનેશ્વરી?' સોનાના હાથીની દક્ષિણા દેખી રા' ચકિત થયા. 'લાવો અહીં.'

રા'ના હાથમાં પાંચે બ્રાહ્મણોએ હાથી સોંપ્યો.

'કોણ હતું?'

'અમને પૂરૂં નામ તો આપતા નહોતા. પણ એક રક્તપીતીઓ રાજા હતો. એનું નામ વીજલ વાજો કહેતા હતા.'

'વીજલજી ! વાજા ઠાકોર વીજલજી? ઊના દેલવાડાના ? રક્ત પીતીઆ? બ્રાહ્મણો, આ તમે ખરું કહો છો?'

'સાંભળવામાં તો એવું આવ્યું મહારાજ ! કોઇનો શરાપ લાગ્યો છે.'

'ક્યાં છે?'

'ચાલ્યા ગયા. સવારના ભળભાંખડામાં દામે કુંડે ન્હાઇને પડાવ ઉપાડી મૂક્યો. વાતો કરતા હતા કે કોઇને શહેરમાં જાણ થવા દેવી નહિ.'

'કઇ દૃશ્યે ગયા ?'

'હેમાળે ગળવા હાલ્યા ગયા.'