આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૪૧

ગંગાજળિયો


'વીજલ રાજ, મારા બનેવી, રક્તપીતમાં ગળીને હેમાળે ગાળવા હાલ્યા જાય છે? દોડો, દોડો, અરે કોઇ મારો અશ્વ લાવો."

એક સમજુ બ્રાહ્મણ આગળ આવી કહેવા લાગ્યો.

'મહારાજ, થંભો. એણે આપનાથી જ અણદીઠ રહેવા પડાવ પરબારો ઉપાડી મૂકેલ છે. એણે કહ્યું કે હું રગતકોઢીયો ગંગાજળિયા રા'ની નજરે થઇને એના દેહને નહિ જોખમું. મને આંહીથી ગુપ્ત માર્ગે ઉપાડી જાવ જલદી.'

'હું ગંગાજળિયો - ને હું મારા સ્વજનના રોગથી મોં સંતાડું? એ મારું ગંગાજળિયાપણું ! ધૂળ પડી. લાવો મારો રેવત.'

'એમ કાંઇ જવાય મહારાજ !' અમીરો, મહેતો ને મુસદ્દીઓ આડા ફર્યા. 'રાજા છો, લાખુંના પાળનાર છો.'

'ન બોલો, મોઢાં ન ગંધાવો. મારે એ વખાણ ને વાહવાહ નથી જોતાં. ગઢ જૂનાને પાદરેથી રક્તપીતીઓ સ્વજન હાલ્યો જાય છે, ને હું ગંગાજળિયો ગંગાજળિયો કૂટાઈને ગર્વ કરતો બેઠો રહીશ? શો મહિમા છે મારાં નિત્યનાં ભાગીરથી-સ્નાનનો, જો મને દુનિયાના રોગનો ડર બ્હીકણ બનાવી રાખે તો?'

માંડળિકે ઘોડો પલાણ્યો અને કાશીનો ને હિમાલયનો જગજાણીતો પંથ પકડી લીધો. ઘોડાની વાઘ એણે ઘોડાની ગરદન પર છૂટી મૂકી દીધી. ઘોડો ક્ષિતિજની પાર નીકળી જવા ભાથામાંથી છૂટતા તીર જેવો ગયો.

જોતજોતામાં વડાળનું પાદર વટાવ્યું. સામું જ કથરોટા વરતાણું. સીમાડા ઉપર કોઇ કાફલો ક્યાંય નથી દેખાતો. પણ વચ્ચે આવતા એક વોંકળાની ભેખડ ઊતરતાં એણે કાવડ દીઠી - પોતાના રોજીંદા નાવણ માટે છેક કાશીથી વહેતી થયેલી ગંગાજળની કાવડ.