આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૧

ઓળખીને કાઢ્યો


સૌથી વધુ રૂડી તો એના બેય કાનની બૂટમાં લળક લળક થતી પીતળની કડીઓ હતી. એનાં કાંડા ઉપર ચપોચપ અક્કેક લોઢાનું કડું હતું. એનાં માથાનાં જુલ્ફાં ઉપર લપેટેલા નાનકા ફાળીઆમાં છોગાને સ્થાને મોરપીછાંનું એક ઝૂમખું હતું. પૂરા માપનો આદમી હતો.

એની પાછળ જ ઊભેલી માનો પહેરવેશ કાળો હતો. એ હેઠું જોઇને ઊભી હતી.

'ક્યાં રાત રે'શો? કોઇ ઓળખાણ છે ગામમાં?'

'ના ભાઇ, પે'લવેલાં જ આવ્યાં છીએ. કોઇ ધરમશાળા હોય તો પડ્યાં રહીએ.'

'ધરમશાળા તો ઠાકોરે બંધ કરાવી છે. આંહી અમારે પડખે એક ફુરજો છે ત્યાં પડ્યા રહો.'

માને એ ફુરજામાં રાખી આવીને જુવાન તો પહેરેગીરોની જમાતમાં જ આવીને બેઠો.

'ઓલ્યા ભૂત ભૂત કરતા બુઢ્ઢાજી ક્યાં?' એકે પૂછ્યું.

'એ તો હજી બેભાન પડેલ છે.'

'બુઢ્ઢા, ઊઠો, જુવો ભૂત ફૂત કાંઇ નથી.'

પણ એ બુઢ્ઢો તો આખી રાત 'ઈ જ, ઈ જ, ઈ પંડ્યે જ.' એવું લવતો રહ્યો.

'તાજુબીની વાત થઇ આ તો ભાઇ ! આ અમારા હરભુજી ડાડા આટલી આવરદામાં કોઇ કરતાં કોઇ વાર બીના નથી તમને દીઠે કેમ બીના એ સમજાતું નથી.'