આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ આઠમું

૫૪


'હે-હે-હે!' દુદાજી ગોહિલે આંખ ફાંગી કરે : 'મોરનાં પીંછા જેવી... જેવી-જેવી- શું! કહો જોયેં?'

'ઘોડીયું ?' એકે અનુમાન કર્યું.

'એં-હેં-હેં -હેં ! કહ્યાં કહ્યાં તમે.'

'તરવારૂં?' બીજાએ કલ્પના લડાવી.

'રાખો રાખો હવે. બાપ ગોતર ભાળ્યું હોય તો ના?'

'તો હવે બાપુ ! તમે કહી નાખો. અમારાથી સબૂરી રાખી શકાતી નથી.'

'એ રૂપાળી બાયડીયું બાયડીયું.....'

'મારા દીકરાઓ...ઓ.' સાથીદારોનાં મોં પાણી પાણી બની રહ્યાં.

'હવે ઈ ગુજરાતનો સુલતાન લૂંટે એનું કાંઈ નહિ, ને આપણે થોડાં લોંટાઝોંટા ગુજરાતમાંથી કરી લાવીયેં એમાં તો રા' આપણા માથે ધુંવાફુંવા થઇ જાય.

'હા એ તો. અબઘડી સાંઢણીસવાર આવ્યો જ સમજો.'

'સાંઢણી-સ્વાર ભલેને રોજ રા'ના ઠપકાના બીડા લાવતા. હું તો એ કાગળીઆને સીધા આ શગડીમાં જ પધરાવી દઈશ.'

'રા'ને સુલતાનની બહુ ભે લાગે છે.'

'ત્યારે?' ઓલ્યા ઝાલાવાડના રાજા સતરસાલ ભાગીને રા'ની મદદ લેવા આવ્યા, તો રા'એ એને સંઘર્યા જ નહિ. ઈડરરાજ પુંજા, ચાંપાનેરના રાજ ત્રંબકદાસ અને નાંદોદ વાળા ઠાકોર એકસંપ થયા, સુલતાનના કાકા માળવા વાળા હોશંગખાનની સાથે દળ બાંધ્યું, તોય આપણો રા'માંડળિક વાંકો ને વાંકો.'