આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૫૭

દુદાજીની ડેલીએ


આંખો ચકળ વકળ ચારે બાજુ જોતી હતી. ચોકીદારો એને હાકોટા કરી કહેતા હતા કે 'સીધું જોઇને હાલવા મંડ, જુવાન ! નીકર ભાલો ખાઇશ.'

બહારના તળાવની પાળે બેઠેલી માને એણે કહ્યું. 'હાલો માડી, સોમૈયાજીએ મારે માથે મહેર કીધી. હાલો મારા ગોઠીઆ સાવઝ વાટ જોતા હશે.'

દીકરાની મુખમુદ્રા વાંચીને મા પણ ચાલી નીકળી. હાથીલા રાજની સીમ આવી ત્યાં સુધી ચોકીઆતો એ મા-દીકરાને મૂકી આવ્યા.

એક દુદાજી ગોહિલ સિવાય બીજા કોઇને ખબર ન પડી કે આ જુવાન કોણ હતો, શા કામે આવ્યો હતો, ને કેમ પાછો ફરી ગયો.

સીમાડે વટાવી ગયા પછી એણે માને સમજ પાડી કે શું શું બન્યું હતું.

'હોય દીકરા ! રાજવાળું આપણા સગપણે શરમાય. જીવતાં માણસ સગપણ નાકબૂલશે. પણ મૂવાં થોડાં કહેવાનાં છે ના, તું મારી અસ્ત્રી નથીને તું મારો દીકરો નથી? મારે તો હવે તને તારા બાપની ને મારા બાપની ખાંભીને ખોળે લઇ જાવો છે. આવતી ભાદરવી અમાસે એની તથ્ય છે. રૂડું એક નાળીએર લઇ જાશું, ને વાટકી સીંદૂર લઇ જાશું. દીવો કરીને હાથ જોડીશ, કહીશ કે ગોહલ રાણા ! લ્યો આ તમારો પૂતર. શૂરાપૂરાને દેશથી દુવા મેલો, કે સુકર્મી થાય; તમારી જેમ એ ય ધરમની, ગાયની ને અસતરીની રક્ષા કરે.'

'મા, મોટાબાપુની યે ખાંભી છે?'

'હા માડી. તારા બાપુની ખાંભી સોમનાથના મંદિરના ચોગાનમાં કિલ્લાને અંદર છે, ને માર બાપુની ખાંભી દરવાજા બહાર છે.'