આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૬૪

ઝેરનો કટોરો


વર્ષો વરસી ચૂક્યાં હતાં. પાટનગર પાટણથી આ સાબરમતી-તીર પર ફેરવાઇ ગયું હતું. સાબરમતીના તીર પર બેઠો બેઠો સુલતાન માળવા અને ચાંપાનેર, ઇડર અને નાંદોદની ખંડણીઓ ઊઘરાવતો હતો. મંદિરો તૂટતાં હતાં, મસ્જિદો ખડી થતી હતી. હિંદુઓની ઇશ્વરોપાસના લોપતો પોતે એક દિવસ પણ પ્રભાતની નમાઝ ચૂકતો નહોતો. ઠેર ઠેર મિનારા ખડા કરતો ને કોટ કિલ્લા સમરાવતો હતો. ઠેર ઠેર એનાં થાણાં સ્થપાયાં હતાં. ઈન્સાફ પણ એ કરડા તોળાતો હતો.

ખુદ પોતાના જ જમાઈએ એકવાર જુવાનીના તોરમાં ને સુલતાનની સગાઈના જોરમાં એક નિર્દોષ માણસનું ખૂન કર્યું.

'ખડો કરો એને કાજીની અદાલતમાં. સુલતાને ફરમાન દીધું.

'મરનાર વારસને નુકશાનીમાં બસો ઊંટ આપવાં.' કાજીએ સુલતાનને સારું લગાડવા ન્યાય પતાવ્યો.

'અગર મરનારનો વારસ માલથી રાજી થયો છે, પણ મને કબૂલ નથી.' એટલું કહીને સુલતાને પૂરો બદલો લેવા આજ્ઞા કરી : 'મારી મહેરબાની ભોગવનાર ફરીથી આવી હિંમત ન કરે, એટલા માટે એને ભરબજારમાં શૂળી પર ચડાવો.'

શૂળી પર પ્રાણ ગયા પછી વળતા જ દિવસે જમાઇની લાશને નીચે ઉતારી દફન દીધું. એ ઇન્સાફની ધાક બેસી ગઇ. અમીરથી લઇ સિપાહી સુધી એક પણ માણસ તે પછી કોઇ નિર્દોષનો જાન લેવા હિંમત કરી શક્યો નહોતો.

મહેલને ઝરૂખે બેઠો બેઠો એક દિવસ સુલતાન સાબરમતીના પૂરમાં નજર ફેરવે છે. એક કાળી વસ્તુ પાણીમાં ડુબકાં ખાઇ રહી છે. હુકમ કરે છે, બહર કાઢો એ ચીજને.'