આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
પ્રકરણ નવમું

૬૬


એ એક માટીની કોઠી હતી.

કોઠી ખોલો.

અંદરથી એક મુડદું નીકળે છે.

શહેરના તમામ કુંભારોને તેડાવો. કોની ઘડેલી છે એ કોઠી?

'મારી બનાવેલી છે જહાંપના.' એક કુંભારે એકરાર કર્યો.

'કોને વેચેલી?'

ફલાણા ગામના અમૂક શખ્સને.

તેડાવ્યો એને. પાપ પ્રકટ થયું. એ માલિકે એક વાણિયાને મારીને કોઠીમાં ઘાલી પાણીમાં વહેતી મૂકેલી.

'જાનને બદલે જાન.' સુલતને હુકમ દીધો. હુકમનો તત્કાળ અમલ થયો.

ઇડરનો રાવ પુંજો, સુલતાની લશ્કર ઘાસ ઊઘરાવવા નીકળ્યું તેના ઉપર તૂટી પડ્યો. લશ્કરને વિખેરી નાખી સુલતાનના હાથીઓ લઇ ચાલ્યો. વિખરાએલા સૈન્યે ફરી જૂથ બાંધી રાવ પુંજાનો પીછો લીધો. ન્હાસતો રાવ એક ઊંચા પહાડ અને ઊંડી ખીણ વચ્ચેના સાંકડા રસ્તા પર પહોંચ્યો. આગળ હાથીઓ હતા. પાછળ લશ્કર હતું. રાવ સાંપટમાં આવ્યો. હાથીઓના માવતોએ હાથીઓને પાછા ફેરવ્યા. રાવના ચમકેલા ઘોડાનો પગ વછૂટ્યો. ઘોડાને અસ્વાર એ પાતાળ ખીણમાં જઇ પડ્યા.

વળતા દિવસે એક કઠીઆરો દરબારમાં હાજર થાય છે. એની પાસે એક ઇન્સાનનું માથું છે. કોઇ ઓળખી શકે છે આ માથાને?