આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
૭૧

તીર્થના બ્રાહ્મણો


'મનને ઠેકાણે રાખીયેં મહારાજ !'

'નીકર ? શું બ્રહ્મહત્યા કરશો ? શરાપશું ને , તો બાળીને ભસમ કરી નાખીશું.'

'પણ માબાપ, વિચાર તો કરો. દરબાર વીજાજીનાં ઠકરાણાં છે. રાજમાતા છે. ઠાકોરને સુવાણ થાય તે સારૂ તો સૂરજકૂંડે સ્નાન કરવા આવેલ છે.'

'દરબાર વીજાજીનાં લખણ પણ ક્યાં મોળાં છે? લખણ ઝળકાવ્યાં એટલે તો કોઢીયો થયો.'

'ઝાઝું શીદ બોલવું પડે છે?'

'બોલવું નથી, જોવું તો છે જ. દરબાર વીજાજીનું ઓજણું તો જોવું જ પડશે. કરો બ્રહ્મ હત્યા, જો તમારો કાળ બોલાવતો હોય તો.

ત્રણે વોળાવિયાનાં હથિયાર પડાવી લઇને બ્રાહ્મણોએ રંઝાડ આદરી. બેઅદબીની ઘડી દૂર ન રહી. તે વખતે ઝાડીમાં સળવળાટ થતો હતો. એ બે પશુઓ હતાં? ચાર પગે ચાલતાં એ કોણ ઝાંખરા સોંસરા આવતાં હતાં? બે પગે ખડાં થયાં. ઘોરખોદિયાં બૂટડાં હતાં? ના, માનવી હતાં. એક ઘનશ્યામ અને એક આછું શ્યામ. એક ઓરત ને એક પુરુષ. એક બુઢ્ઢી ને એક જુવાન. જુવાને ખભેથી કામઠી ઉતારી. તીર ચડાવ્યું. છૂટેલું તીર એ માફાનો પડદો ઉઘાડતા હાથ ઉપર ત્રાજવાં ત્રોફતું ચાલ્યું ગયું.

'લોહી, લોહી, બ્રાહ્મણોનું લોહી, બ્રહ્મ હત્યા.' ઇજા પામનાર હેઠો બેસી ગયો.