આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ધારાસભાઓ અને તેમનાં કાર્યો વિશે મારા આવા કડક વિચારો છે; છતાં હું એવા નિર્ણય પર આવ્યો છું કે, જ્યાં સુધી ચૂંટણીથી રચાતી પ્રતિનિધિ સંસ્થાઓને માટે ખોટા ઉમેદવારો ઊભા રહે છે ત્યાં સુધી તે સંસ્થાઓમાં પ્રગતિવિરોધી લોકોને ઘૂસી જતા અટકાવવાઅને કૉંગ્રેસે પોતાના ઉમેદવારો ઊભા રાખવા જોઈશે.

૨. અસ્પૃશ્યતાનિવારણ

છેક આજની ઘડીએ હિંદુ ધર્મને વળગેલા અસ્પૃશ્યતારૂપી શાપ ને કલંકને ધોઈ કાઢવાની જરૂરને વિશે લંબાણથી લખવાની જરૂર નથી. આ બાબતમાં મહાસાભાવાદીઓએ ઘણું કર્યું છે એ વાત સાચી છે. પણ મારે દિલગીરી સાથે કહેવું પડે છે કે ઘણા મહાસાભાવાદીઓએ અસ્પૃશ્યતાનિવારણને હિંદુઓને લાગેવળગે છે તેટલા પ્રમાણમાં ખુદ હિંદુ ધર્મની હયાતીને માટે અનિવાર્ય ગણવાને બદલે કેવળ રાજકીય ગરજની એક બાબત ગણી છે. હિંદુ કૉંગ્રેસીઓ આ કાર્ય કરવામાં પોતાની સાર્થકતા છે એમ માનીને તેને ઉપાડી લે તો 'સનાતાની'ઓને નામે ઓળખાતા તેમના ધર્મબંધાવો પર આજ સુધી જેટલી અસર પડી છે તેના કરતાં અનેકગણી વધારે અસર પહોચાડીને તેમનું દિલ પલટાવી શકશે. 'સનાતાની'ઓ પાસે તેમણે લડવાના જુસ્સામાં નહીં પણ પોતાની અહિંસાને છાજે તેવી મિત્રાચારીની લાગણીથી પહોંચવું જોઈએ. અને ખુદ હરિજનોની બાબતમાં તો એકેએક હિંદુએ તેમના કાર્યને પોતાનું માનીને તેમને મદદગાર થવું જોઈએ, અને તેમના અકળાવી મૂકે તેવા ભયાનક અળગાપણામાં તેમની પડખે જઈને ઊભા રહેવું જોઈએ; અને એ વાતનો તો કોણ ઇનકાર કરશે કે આપણાં હરિજન ભાઈબહેનોને બાકીના હિંદુઓ પોતનાથી બાદ રાખે છે ને પરિણામે તેમને જે બિહામણું ને રાક્ષસી અળગાપણું વેઠવું પડે છે તેનો જોટો દુનિયામાં બીજે ક્યાંય શોધેલો જડે તેમ નથી? આ કામ કેટલું કપરું છે તે હું અનુભવે જાણું છું. પણ સ્વરાજ્યની ઇમારત ઊભી કરવાનું જે કાર્ય આપણે લઈ બેઠા છીએ તેનો જ આ એક ભાગ છે. અને અલબત્ત એ સ્વરાજ સુધી પહોંચવાનો રસ્તો સીધા ચડાણનો ને સાંકડો છે. એ રસ્તે કેટલાયે લપસણા ચડાણ ને કેટલીયે