આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

એ રસ્તાને વિશે શ્રદ્ધા ધરાવનારા લોકો સ્વરાજ્ય મેળવી લેવાની અધીરાઇને કારણે અથવા કહો કે પોતાના અજ્ઞાનને કારણે આવી બધી બાબતો મુક્તિ મેળવ્યા પછી સાધવાની છે એમ માનશે, અને તેથી તે દિવસ સુધી તેમનો અમલ મુલતવી રાખશે. પરંતુ એ લોકો એક વાત ભૂલી જાય છે; કાયમની અને એબ વગરની સાચી મુક્તિ અંતરમાંથી પ્રગટ થાય છે, એટલે કે આત્મશુદ્ધિથી મળે છે. રચનાત્મક કાર્ય કરનારા કાયદાથી કરવાની દારૂબંધીના કાર્યને રસ્તો નહીં પાડી આપે તોયે તેને સહેલું કરી શકશે અને તેની સફળતાને માટે ભૂમિકા તૈયાર કરી રાખશે.

૪. ખાદી

ખાદીનો વિષય ચર્ચાસ્પદ છે. ઘણાં લોકોને એમ લાગે છે કે, ખાદીની હિમાયત કરવામાં હું સામે પવને હોડી હાંકવાની મૂર્ખાઈ કરું છું, તેથી આખરે સ્વરાજનું વહાણ ડુબાડવાનો છું ને દેશને પાછો અંધકારના જમાનામાં ધકેલી રહ્યો છું. આ ટૂંકા અવલોકનમાં મારે ખાદીની તરફેણની દલીલો કરવી નથી. એ દલીલો મેં બીજે પૂરેપૂરી કરેલી છે. અહીં તો દરેક મહાસભાવાદી અને આમ જુઓ તો એકેએક હિંદી ખાદીકાર્યને આગળ વધારવાને શું કરી શકે તે જ બતાવવાનો મારો ઇરાદો છે. ખાદી એટલે દેશના બધા વતનીઓની આર્થિક સ્વતંત્રતા તેમ જ સમાનતાની શરૂઆત. પણ કોઇ વસ્તુ કેવી છે તે વાપરવાથી જણાય, ઝાડનું પારખું તેનાં ફળથી થાય. તેથી હું જે કંઇ કહું છું તેમાં સાચી વાત કેટલી છે તે દરેક સ્ત્રીપુરુષ જાતે અમલ કરીને શોધી લે. વળી ખાદીમાં જે જે બાબતો સમાયેલી છે તે બધી સાથે ખાદીનો સ્વીકાર કરવો જોઇએ. ખાદીનો એક અર્થ એ છે કે, આપણે દરેકે પૂરેપૂરી સ્વદેશ વૃત્તિ કેળવવી જોઈએ ને રાખવી જોઈએ; એટલે કે જીવનની સઘળી જરૂરિયાતો હિંદમાંથી અને તેમાંય આપણાં ગામડાંઓમાં રહેનારી આમજનતાની મહેનત તથા બુદ્ધિથી નીપજેલી ચીજો વડે પૂરી કરી લેવાનો દ્રઢ સંકલ્પ કરવો જોઈએ. અત્યારે આ બાબતમાં આપણો જે ક્રમ છે તે ઉલટાવી નાખવાની આ વાત છે. એટલે કે આજે હિંદુસ્તાનનાં સાત લાખ ગામડાંઓને ચૂસીને પાયમાલ કરી હિંદનાં તેમ જ ગ્રેટ બ્રિટનનાં મળીને