આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

પાંચ પંદર શહેરો ગબ્બર થાય તેને બદલે તે બધાં ગામડાંઓ સ્વાવલંબી તેમ જ સ્વયં સંપૂર્ણ થાય અને બંને પક્ષને લાભ થાય તે રીતે પોતાની ખુશીથી હિંદનાં શહેરોને અને બહારની દુનિયાનેયે ઉપયોગી થાય.

આનો અર્થ એવો થાય છે કે આપણામાંથી ઘણાએ પોતાના માનસમાં તેમ જ રુચિમાં ધરમૂળથી પલટો કરવો જોઈશે અહિંસાનો રસ્તો ઘણી બાબતોમાં બહુ સુતરો છે તો વળી બીજી ઘણી બાબતોમાં બહુ કપરો છે . તે હિંદુસ્તાનનાં એકેએક વતનીના જીવન પર ઊંડી અસર કરે છે, પોતાની અંદર સૂતેલી ને આજ સુધી અણછતી રહેલી શક્તિઓનું તેને ભાન કરાવી તે શક્તિ ને સત્તા આપણી પાસે છે એવા જ્ઞાનથી તેને ઉત્સાહ આપે છે અને હિંદી માનવસમૂહનાં મહાસાગરનાં અનેક ટીપાં માંનું હું પણ એક છું એવા અનુભવથી તે મગરૂબ થાય છે. જમાનાઓથી જે માંદલી વૃત્તિને આપણી ભૂલમાં આપણે અહિંસા કહેતા હતા ને મનતા હતા તે અહિંસા આ નથી. માનવજાતિએ આજ સુધી જે અનેક શક્તિઓ જોઈ છે તે બધી કરતાં આ અહિંસા વધારે જોરાવર શક્તિ છે, ને તેના પર જ માનવજાતિની હયાતીનો આધર છે. વળી આ અહિંસા તે શક્તિ છે જેનો મહાસભાને અને તેની મારફતે આખી દુનિયાને પરિચય કરાવવાનો મેં પ્રયાસ કર્યો છે. મારે મન ખાદી હિંદુસ્તાનની આખી વસ્તીની એકતાનું, તેના આર્થિક સ્વાતંત્રય ને સમાનતાનું પ્રતીક છે અને તેથી જવાહરલાલના કાવ્યમય શબ્દોમાં કહું તો 'હિંદની આઝાદીનો પોશાક છે.'

વળી ખાદીમાનસનો અર્થ થાય છે જીવનની જરૂરિયાતોની પેદાશ તેમજ વહેંચણીનું વિકેંદ્રીકરણ. તેથી આજ સુધીમાં જે સિદ્ધાંત ઘડ્યો છે તે એ છે કે, દરેકેદરેક ગામે પોતપોતાની સઘળી જરૂરિયાત જાતે પેદા કરી લેવી અને ઉપરાંત શહેરોની જરૂરિયાતો પૂરી કરવાને ખાતર થોડીક વધારે પેદાશ કરવી.

મોટા ભાગના ઉદ્યોગો તો અલબત્ત એકકેન્દ્રી તેમ જ રાષ્ટ્રને હસ્તક રાખવા પડશે. પણ આખું રાષ્ટ્ર મળીને જે વિરાટ આર્થિક પ્રવૃત્તિ ગામડાંઓમાં ચલાવશે તેનો આ તો નજીવો ભાગ રહેશે.