આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

સૂચનાઓ અખિલ ભારત ચરખા સંઘ તરફથી વખતો વખત કાઢવામાં આવે છે તેમનો તેમણે બરાબર અમલ કરવો જોઈએ. અહીં તો હું થોડાક સામાન્ય નિયમો જણાવું.

૧. જે જે કુટુંબ પાસે નાનો સરખોયે જમીનનો કકડો હોય તેણે ઓછામાં ઓછો પોતાના વપરાશ પૂરતો કપાસ ઉગાડી લેવો. કપાસ ઉગાડવાનું કામ પ્રમાણમાં બહુ સહેલું છે. એક જમાનામાં બિહારના ખેડૂતો પર કાયદાથી એવી ફરજ લાદવામાં આવી હતી કે પોતાની ખેડી શકાય તેવી જમીનના ૩/૨૦ ભાગમાં તેમણે ગળીનું વાવેતર કરવું. આ ફરજ પરદેશી નીલવરોના સ્વાર્થને ખાતર ખેડૂતો પર નાખવામાં આવી હતી. તો આપણે રાષ્ટ્રના હિતને ખાતર આપણી જમીનના થોડાં ભાગમાં આપમેળે સમજીને ખુશીથી કપાસ કેમ ન કરીએ? આહીં વાચકના ધ્યાન પર એ વાત આવી જશે કે ખાદી કામના જુદાં જુદાં અંગોમાં વિકેંદ્રીકરણનું તત્ત્વ છેક પાયામાંથી દાખલ થાય છે. આજે કપાસનું વાવેતર ને ખેતી એક જ ઠેકાણે મોટા પાયા પર કરવામાં આવે છે અને હિંદના દૂર દૂરના ભાગોમાં તે મોકલવો પડે છે. લડાઈ પહેલાં એ બધો કપાસ મોટે ભાગે ઈંગ્લંડ અને જાપાન મોકલવામાં આવતો હતો. પહેલાં કપાસની ખેતી કપાસનું વેચાણ કરીને રોકડ નાણું મેળવવાના હેતુથી કરવામાં આવતી હતી અને હજી યે તેમજ થાય છે, અને તેથી કપાસ કે રૂના બજારની તેજીમંદી ખેડૂતની આવક પર અસર કરે છે. ખાદીકાર્યની યોજનામાં કપાસની ખેતી આ સટ્ટામાંથી ને જુગારના દાવ જેવી હાલતમાંથી ઊગરી જાય છે. એ યોજનામાં ખેડૂત પ્રથમ પોતાની જરૂરિયાતની વસ્તુઓની ખેતી કરે છે. પોતાની જરૂરિયાતની ચીજોની ખેતી કરવાની પોતાની સૌથી પહેલી ફરજ છે એ વાત આપણા ખેડૂતોએ શીખવાની છે. આટલું શીખીને ખેડૂતો જો તે પ્રમાણે પોતાનું કામ કરતા થાય તો બજારની મંદીથી તેમને પાયમાલ થવાનો વારો નહીં આવે.

૨. કાંતનારની પાસે પોતાનો કપાસ ન હોય તો તેણે લોઢવાને માટે જોઈએ તેટલો કપાસ વેચાતો લઈ લેવો. લોઢવાનું કામ હાથચરખાની મદદ વિના પણ બહુ સહેલાઈથી થાય તેવું છે. એક પાટિયું ને એક