આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

આ રીતે કંતાયેલું સૂતર ત્રણ રીત વપરાય : એક તો ગરીબોને ખાતર ચરખા સંઘને ભેટ આપી દેવું, અથવા બીજું, પોતાના વપરાશને માટે વણાવી લેવું, અથવા ત્રીજું, તેના બદલામાં જેટલી મળે તેટલી ખાદી વેચાતી લેવી. એતો દેખીતું છે કે સૂતર જેમ ઝીણું ને બીજી રીતે સારું તેમ તેની કિંમત વધારે. એટલે મહાસભાવાદીઓ ખરા જિગરથી આ કામમાં લાગે તો કાંતવાના ને બીજા ઓજારોમાં નવા નવા સુધારા કરતા રહેશે ને ઘણી નવી નવી શોધ ખોળ કરશે. આપણા દેશમાં બુદ્ધિને મજૂરીની છેક ફારગતી થઈ ગઈ છે પરિણામે આપણું જીવન બંધિયાર ખાબોચિયાના પાણી જેવું થઈ ગયું છે. મેં અહીં સુધી દર્શાવ્યું છે તે ધોરણે તે બંનેનું એટલે કે બુદ્ધિનું ને મજૂરીનું અતૂટ લગ્ન થાય તો તેના જે ફળ આવશે તેનો આંક બંધાય તેવો નથી.

સેવાને અર્થે કરવાના કાંતણની આ રાષ્ટ્રવ્યાપી યોજના પાર પાડવાને આપણાં સામાન્ય સ્ત્રી અથવા પુરુષે રોજ કલાકથી વધારે વખત આપવાની જરૂર રહેશે. એમ મને નથી લાગતું.

૫. બીજા ગ્રામઉદ્યોગો

ખાદીની સરખામણીમાં ગામડાંમાં ચાલતા ને ગામડાંઓને જરૂરી બીજા ધંધાઓની વાત જુદી છે. એ બધા ધંધાઓમાં આપમેળે ખુશીથી મજૂરી કરવાની વાત બહુ કામ આવે તેવી નથી. વળી એ દરેક ધંધામાં કે ઊદ્યોગમાં અમુક થોડી સંખ્યાનાં માણસોને જ મજૂરી મળી શકે. એટલે આ ઉદ્યોગો ખાદીના મુખ્ય કાર્યને મદદરુપ થાય તેવા છે. ખાદી વિના તેમની હયાતી નથી અને તેમના વિના ખાદીનું ગૌરવ કે શોભા નથી. હાથે દળવાનો, હાથે છડવાનો ને ખાંડવાનો, સાબુ બનાવવાનો, કાગળ બનાવવાનો, દીવાસળીઓ બનાવવાનો, ચામડાં કમાવવાનો, તેલની ઘાણીનો અને એવા જ બીજા સમાજજીવનને જરુરી તેમ જ મહત્વના ધંધાઓ વિના ગામડાંની અર્થરચના સંપુર્ણ નહીં થાય એટલે કે તે