આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

ભણવામાં આપણે જેટલાં વરસ બગાડીએ છીએ તેટલા મહિના પણ આપણે હિંદુસ્તાની શીખવાની તસ્દી ન લઈએ તો સાચે જ આમજનતા પરના આપણા જે પ્રેમની વાતો આપણે ઠોક્યા કરીએ છીએ તે ઉપર ઉપરનો હોવો જોઈએ.

૧૩. આર્થિક સમાનતા

ચનાત્મક કાર્યનો આ મુદ્દો અહિંસક પૂર્ણ સ્વરાજની મુખ્ય ચાવી છે. આર્થિક સમાનતાને માટે કાર્ય કરવું એટલે મૂડી ને મજૂરી વચ્ચેના કાયમના ઝઘડાને મિટાવવો. એનો અર્થ એવો થાય કે એક બાજુથી જે થોડા પૈસાવાળા લોકોના હાથમાં રાષ્ટ્રની સંપત્તિનો મુખ્ય ભાગ એકઠો થયો છે તેમની સંપત્તિ કમી કરવી અને બીજી બાજુથી અર્ધાં ભૂખ્યાં ને નાગાં રહેતાં કરોડોની સંપત્તિ વધારવી. જ્યાં લગી ખોબા જેટલા પૈસાવાળા ને ભૂખ્યાં રહેતાં કરોડો વચ્ચેનું બહોળું અંતર ચાલુ રહે ત્યાં લગી અહિંસાના પાયા પર ચાલતો રાજવહીવટ સંભવિત નથી. જે સ્વતંત્ર હિંદુસ્તાનમાં દેશના સૌથી તવંગર માણસો જેટલી સત્તા ભોગવતા હશે તેટલી જ ગરીબોની હશે. તેમાં નવી દિલ્હીના મહેલો ને તેમની પડખે જ આવેલાં ગરીબ મજૂર વસ્તીનાં કંગાળ ઘોલકાંઓ વચ્ચે જે કારમો તફાવત આજે દેખાય છે તે એક દિવસભર પણ નહીં નભે. પૈસાવાળાઓ પોતાનો પૈસો અને તેને લીધે મળતી સત્તા એ બંને આપમેળે રાજીખુશીથી છોડી દઈ સર્વના કલ્યાણને માટે બધાંની સાથે મળીને વાપરવાને તૈયાર નહીં થાય તો હિંસક તેમ જ ખૂનખાર ક્રાંતિ અહીં થયા વિના રહેવાની નથી એમ ચોક્કસ સમજવું.

ટ્રસ્ટીપણાના મારા સિદ્ધાંતને ઘણો હસી કાઢવામાં આવ્યો છે છતાં હું હજી તેને વળગી રહું છું. તેને પહોંચવાનું એટલે કે તેનો પૂરેપૂરો અમલ કરવાનું કામ કપરું છે એ વાત સાચી છે. અહિંસાનું એવું નથી ? પણ ૧૯૨૦ની સાલમાં એ સીધું ચઢાણ ચડવાનો આપણે સંકલ્પ કર્યો. તેને માટે આપણે જે પુરુષાર્થ અત્યાર સુધી કર્યો તે કરી જોવા જેવો હતો એમ આપણે સમજ્યા છીએ. એ પુરુષાર્થમાં જે મુખ્ય વાત સમાયેલી છે તે અહિંસાનું તત્ત્વ કેમ કાર્ય કરે છે તે રોજેરોજ શોધીને વધુ ને વધુ ઓળખવાની છે. મહાસભાવાદીઓ પાસે