આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

દર્શન કરતાં પહેલાં હજી આપણે એથીયે વધારે લાંબો ને થકવે તેવો રસ્તો કાપવાનો બાકી છે. તેથી દરેક મહાસભાવાદીએ પોતાની જાતને એ સવાલ કરવાનો છે કે આર્થિક સમાનતા સ્થાપવામાં મેં શું શું કર્યું ?

૧૪. કિસાનો

આ રચનાત્મક કાર્યક્રમમાં એકેએક વિગત આવી જતી નથી. સ્વરાજની ઇમારત જબરદસ્ત છે, તેને બાંધવામાં એંશી કરોડ હાથોએ કામ કરવાનું છે. એ બાંધનારાઓમાં કિસાનો એટલે કે ખેડૂતોની સંખ્યા મોટામાં મોટી છે. હકીકતમાં સ્વરાજની ઇમારત બાંધનારાઓ પૈકી મુખ્ય તે જ લોકો (ઘણુ ખરું ૮૦ ટકા) હોવાથી કિસાનો તે જ કૉંગ્રેસ, એવી સ્થિતિ હોવી જોઈએ. આજે તેમ નથી. પણ કિસાનોને જ્યારે પોતાની અહિંસક તાકાતનું ભાન થશે ત્યારે દુનિયાની કોઈ સત્તા તેમની સામે ટકી શકવાની નથી.

સત્તાનો કબજો લેવાને માટે ખેલાતાં રાજકારણમાં તેમનો કદી ઉપયોગ ન થવો જોઈએ. તેમના એ જાતના ગેરઉપયોગને હું અહિંસાની પદ્ધતિથી વિરોધી ગણું છું. કિસાનો અથવા ખેડૂતોનું સંગઠન કેમ કરવું તેની મારી રીત જેમને જાણવી હોય તેમને ચંપારણની લડતનો અભ્યાસ કરવાથી લાભ થશે. હિંદુસ્તાનમાં સત્યાગ્રહનો પહેલવહેલો પ્રયોગ ચંપારણમાં થયો હતો અને તેનું કેવું સારું પરિણામ આવ્યું હતું તે આખું હિન્દુસ્તાન બરાબર જાણે છે. ચંપારણની હિલચાલ આમસમુદાયની એવી લડત બની હતી જે છેક શરૂથી માંડીને છેવટ સુધી પૂરેપૂરી અહિંસક રહી હતી. તેમાં એકંદરે વીસ લાખથીયે વધારે કિસાનોને સંબંધ હતો. એક સૈકાથી ચાલતી આવેલી એક ચોક્કસ હાડમારીની ફરિયાદના નિવારણને માટે તે લડત ઉપાડવામાં આવી હતી. એ જ ફરિયાદને દૂર કરવાને પહેલાં કેટલાંયે હિંસક બંડો થયાં હતાં. ખેડૂતોને તદ્દન દબાવી દેવામાં આવ્યા હતા. અહીં અહિંસક ઇલાજ છ મહિનાના ગાળામાં પૂરેપૂરો સફળ થયો. કોઈ પણ જાતની સીધી રાજકારણી ચળવળ કે રાજકારણના સીધા પ્રચારની મહેનત વગર ચંપારણના ખેડૂતો રાજકારણની બાબતમાં જાગ્યા. પોતાની ફરિયાદ દૂર કરવામાં અહિંસાએ જે કાર્ય કર્યું તેની દેખીતી સાબિતી મળવાથી તે બધા