આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

મેળવવાનું કામ કરવામાં રાજકીય લડતના કામ જેવી ધમાલનો નશો નથીૢ ઉત્તેજના નથી. તે કામ કરવું ભભકભરેલું નથી અને રચનાનું છે તેટલાજ કારણસર વધારે કપરું છે. પરંતુ સર્વને સમાવી લેનારું રચનાકાર્ય આપણી કરોડોની વસ્તીનાં બધાંયે અંગોની શક્તિને જગાડનારું નીવડશે.

કૉંગ્રેસે પોતાની તેમ જ મુલકની મુક્તિની શરૂઆતની તેમજ જરૂરી મજલ પૂરી કરી છે. પણ કપરામાં કપરી મજલ હવે આવે છે. લોકશાહી પદ્ધતિનાં સીધાં ચઢાણવાળે રસ્તે અનિવાર્ય પણે તેણે વાડાબંધી કરનારાં ગંધાતા પાણીવાળાં ખાબોચિયાં જેવાં મંડળો ઊભાં કર્યાં છે અને તેમાંથી અનેક પ્રકરની ભ્રષ્ટતા પેદા થઈ છે, માત્ર નામધારી લોકપ્રિય તેમજ લોકશાહી સંસ્થઓ ઊભી થઈ ગઈ છે. આ નીંદામણ ઉખેડી કાઢી ભારરૂપ બનેલી રીતરસમોમાંથી રસ્તો કેમ કાઢવો એ કૉંગ્રેસની સામે ખડો થયેલો આજનો સવાલ છે.

સૌથી પહેલાં તો કૉંગ્રેસે પોતાના સભ્યોનું જે ખાસ જુદું રજિસ્ટર રાખ્યું હતું તે હવે તેણે રદ્દ કરવું જોઇશે. એ સભ્યોની સંખ્યા એક કરોડથી કદી વધી નથી. સભ્યોની એટલી સંખ્યા કૉંગ્રેસને દફતરે નોંધાઈ હશે ત્યારે તે કોણ ને કેવા છે તે ચોક્કસ પણે કહેવાનું કામ કઠણ હતું. એ ઉપરાંત તેની યાદીમાં બીજા લાખો ભળી ગયા હતા, જે કદી તેને કામ ન આવે. એટલે હવે તેના સભ્યોની યાદીમાં દેશના એકેએક મતદારનો તેણે સમાવેશ કરી લેવો જોઈએ. કોઈ ખોટું નામ એ યાદીમાં ઘૂસી ન જાય અને કાયદેસર આવી શકે એવું કોઈ નામ તેમાંથી રહી ન જાય એ જોવાનું હવે કૉંગ્રેસનું કામ છે. ખુદ પોતાના સભ્યોની યાદીમાં કૉંગ્રેસે હવે વખતોવખત પોતાને સોંપવામાં આવે તે કામગીરી બજાવનારા રાષ્ટ્રના અમલી કાર્ય કરનારા સેવકો નોંધવા જોઈશે.

દેશને કમનસીબે તરતને માટે એ સેવકો મોટે ભાગે શહેરોના રહેવાસીઓમાંથી લેવા પડશે. જોકે તેમાંના ઘણાખરાને હિંદનાં ગામડાંમાં રહીને ગામડાંને ખાતર કાર્ય કરવાનું રહેશે. છતાં એ સેવકોમાં વધારે ને વધારે ગામડાંના વતનીઓ ઉમેરવા રહેશે.