આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે

જાતની એકતા સિદ્ધ કરવાને માટે સૌથી પહેલી જરૂર એ છે કે મહાસભાવાદી ગમે તે ધર્મનો હોય પણ હિંદુ, મુસલમાન, ખ્રિસ્તી, પારસી, યહૂદી વગેરે સૌને પોતાના પ્રતિનિધિ સમજે; એટલે કે ટૂંકમાં હિંદુ કે બિનહિંદુ સૌનો પોતે પ્રતિનિધિ છે એમ માને. હિંદુસ્તાનના કરોડો વતનીઓ પૈકીના એકેએકની સાથે તે આત્મીયતા અનુભવે; એટલેકે તેનાં સુખદુઃખનો હું ભાગીદાર છું એમ સમજે. આવી આત્મીયતા સિદ્ધ કરવાને સારુ એકેએક મહાસભાવાદી પોતાના ધર્મથી જુદો ધર્મ પાળનારા લોકો સાથે અસંગત દોસ્તી બાંધે . વળી તેને પોતાના ધર્મને માટે જેવો પ્રેમ હોય તેવો જ તે બીજા ધર્મો પર રાખે.

આ જાતની આપણી સુખદ સ્થિતી હશે ત્યારે રેલ્વેના સ્ટેશનો પર આજે આપણને શરમાવનારી 'હિન્દુ ચા' ને 'મુસ્લીમ ચા' તથા 'હિંદુ પાણી' ને 'મુસલમાન પાણી' જેવી બૂમો પડે છે તે સાંભળવાની નહીં હોય વળી તે સ્થિતીમાં આપણી નિશાળોમાં ને કૉલેજોમાં હિંદુની ને બિનહિંદુની પાણી પીવાની જુદી ઓરડી કે જુદાં વાસણો કોમી નિશાળો, કોમી કૉલેજો કે કોમી ઇસ્પિતાલો પણ નહીં હોય. આવી ક્રાંતિની શરૂઆત મહાસભાવાદીઓએ કરવી જોઇશે અને સાથે સાથે પોતાના યોગ્ય વર્તનથી તેમણે કોઈ રાજકીય ફાયદો મેળવી લેવાનો ખ્યાલ છોડી દેવો જોઈએ. રાજકીય એકતા તો તેમના સાચા વર્તનમાંથી કુદરતી રીતે આવીને ઊભી રહેશે.

આપણે લાંબા વખતથી એમ માનવાને ટેવાયા છીએ કે પ્રજાને સત્તા કેવળ ધારાસભાઓ મારફતે મળે છે. આ માન્યતાને હું આપણી એક ગંભીર ભૂલ માનતો આવ્યો છું. એ ભ્રમનું કારણ કાં તો આપણી જડતા છે, કાંતો અંગ્રેજોના રીતરિવાજોએ આપણા પર જે ભૂરકી નાખી છે તે છે. બ્રિટિશ લોકોના ઈતિહાસના ઉપરચોટિયા અભ્યાસ પરથી આપણે એવું સમજ્યા છીએ કે, રાજ્યતંત્રની ટોચે આવેલી પાર્લમેન્ટોમાંથી સત્તા ઝમીને પ્રજાની અંદર ઊતરે છે. સાચી વાત એ છે કે, સત્તા લોકોમાં વસે છે, લોકોની હોય છે, અને લોકો પોતાના પ્રતિનિધિઓ તરીકે વખતો વખત જેમને પસંદ કરે છે તેમને તેટલા વખત પૂરતી તેની સોંપણ કરે છે. અરે, લોકોથી સ્વતંત્ર એવી