પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે



[કમલા પ્રવેશ કરે છે અને પાટ ઉપર બેસે છે.]
 
લીલાવતી : જતાં જતાં એ કાંઇ બોલી ?
કમલા : જાગૃતિ આવતી હતી તેવામાં બોલી કે, 'જગદીપ ! કિસલવાડીમાં અને પ્રભાકુંજમાં તારે મન ફેર જ નથી?' પણ પછી, આંખો ઉઘાડતાં અમને જોઈને તે બોલતી બંધ થઈ ગઈ.
લીલાવતી : એનો પુત્ર રાજગાદી લેશે ?
કમલા :

વરવા યોગ્ય સ્વામીને રાજલક્ષ્મી સમર્થ છે;
સનાથ હોય એ લક્ષ્મી તેમાં છે હિત લોકનું. ૭૩

સાવિત્રી : દરબારમાંથી વખતે એ વિશે ખબર આવશે.
લીલાવતી : હું સ્વસ્થ થાઉં ત્યારે બધી ખબર મને કહેજો. હાલ તો મેં કાઢેલા રોષનો વેગ જાણે પાછો ફરી મારા પર ધસે છે ! મને અહીંથી લઈ જાઓ.
[સાવિત્રી અને કમલા લઈને જાય છે.]
 

પ્રવેશ ૪ થો

સ્થળ : પ્રભાપુંજ મહેલમાંની દરબારકચેરી.

[કલ્યાણકામ, પુષ્પસેન, દુર્ગેશ અને બીજા રાજ પુરુષો તથા અગ્રેસર પુરવાસીઓ દરબારમાં બેઠેલા પ્રવેશ કરે છે. એક છેડે બેઠેલા ગાયકો વાજિંત્ર સાથે ગાય છે. આગળ પ્રતિહાર ચાલે છે. તેની પાછળ રાઈ રાજાના પોશાકમાં પ્રવેશ કરે છે. આખી કચેરી ઊભી થાય છે.]

પ્રતિહાર : શ્રીમત્ પરમભટ્ટર્ક પરમમાહેશ્વર સમધિગત પંચમહાશબ્દ સકલસામંતાધિપતિ બાહુસહાય ગુર્જરનરેન્દ્ર શ્રી પર્વતરાય મહારાજાધિરજનો જય !

[રાઈ સિંહાસન નીચે પાટ પાસે આવતાં કમરે લટકતી તરવાર મ્યાનમાંથી કાઢી પાટ ઊપર ઠોકી ટકોરા કરે છે. કચેરીમાં જેમની કમરે તરવાર છે તેઓ સર્વ આ

અંક પાંચમો
૧૧૧