પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૧૯

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વેળા પોતપોતાની તરવાર મ્યાનમાંથી કાઢી ઊંચી ધરી રાખે છે. રાઈ તરવાર પાછી કમરે લટકતા મ્યાનમાં મૂકે છે. તે પછી બીજા સહુ પોતાની તલવાર મ્યાનમાં મૂકે છે. ત્યારબાદ રાઈ સિંહાસન ઉપર બેસે છે. પાછળ છત્ર ધરેલું છે અને સેવકો ચમરી લઈને ઊભેલા છે. કચેરીમાં સહુ માણસ બેસે છે. સંગીત થાય છે.]
રાજભાટ : (આગળ આવીને નમન કરીને) મહારાજાધિરાજને ઘણી ખમા!

(कवित)

गुर्जरत्रामें सूर्यको उदय भयो नूतन,
बूढापनको बादल श्यामल चलो गयो;
प्रबल प्रताप वाको जल स्थल पूरी रह्यो,
गुर्जर प्रजाको मुख तेजसे दीप्त भयो;
पांख आप खोले तब खगराज थंभे नहीं,
ग्रहराज थंभे नहीं पूर्वाद्रिशृंग ग्रह्यो;
गिरिसे बाहेर आये नदराज थंभे नहीं,
गुर्जरराज न थंभे जोबन पाय नयो। ६४

ગુર્જરેશ અધિક પરાક્રમ કરો ને અધિક જશ પામો.

પ્રતિહાર : મહારાજની આજ્ઞા હોય તો પ્રધાનજી ભેટ ધરવાનો આરંભ કરે.
રાઈ : ભેટ આ પ્રસંગે બને તેમ નથી. પરંતુ, હું કહું છું તે સાંભળવાનું સહુને કહો.
પ્રતિહાર : (નમન કરીને) જેવો પૃથ્વીરાજનો હુકમ. (દરબારમાં ભરાયેલા લોકો તરફ ફરીથી મોટેથી) આજની કચેરીમાં ભેટ બંધ છે, પણ મહારાજાધિરાજ આજ્ઞા કરે છે તે સહુ સાવધાન થઈ સંભળો.
રાઈ : આ સભામાં સર્વત્ર આનંદ અને ઉમંગ પ્રસરી રહ્યો છે, તેનો ભંગ કરતાં મને બહુ ખેદ થાય છે. પણ, સત્ય પ્રગટ કરવામાં જેમ વિલંબ થાય છે તેમ વધારે હાનિ થાય છે.
૧૧૨
રાઈનો પર્વત