પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૪૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


વીણાવતી : તે વીણાને રાજગાદીની કે જનસમૂહના સંબંધની શી દરકાર હોય ?
જગદીપ : આપણા સુખની અપરિપૂર્ણતા કરવા લગ્નનો દિવસ ઠરાવવાનો તે મારા કનક્પુર ગયા પછી ઠરી શકશે. એટલો વિલંબ થશે.
વીણાવતી : વિલંબ એટલે વિયોગ !
જગદીપ : પ્રેમપન્થના પ્રવાસીઓના ભાથામાં થોડો ઘણો વિયોગ આવ્યા વિના રહેતો નથી, અને તેનો આરંભમાં જ આસ્વાદ કરી લેવો સારું છે, કે પછી મિષ્ટ આસ્વાદ જ બાકી રહે.
વીણાવતી : આ વાડી બહારનું જગત્ બહુ વિશાળ છે એમ મેં સાંભળ્યું છે, તો એ જગત્ આવડું મોટું છતાં તે પ્રેમમાંથી વિયોગ નાબૂદ કરવાનો કોઈ ઉપાય દર્શાવી શકતું નથી ?
જગદીપ : જગત્ તો કોઈ ઉપાય દર્શાવી શકે તેમ નથી, પરંતુ જગત્ ના જે નિયન્તાએ પ્રેમનું વરદાન આપ્યું છે તેણે આશાનું પણ વરદાન આપ્યું છે, અને તે વડે વિયોગકાળમાં પ્રેમીઓનાં હ્રદય ટકી રહે છે. આપણે ફરી મળીએ ત્યાં સુધી આશાને જ આશ્રયે જીવીશું.
[બન્ને જાય છે.]
 


અંક છઠ્ઠો
૧૪૧