પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૮

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે
ભોંયરું જોવા આવશે તો અહીંથી નગર તરફ જતાં નદી કિનારે રુદ્રનાથ મહાદેવનું મંદિર આવેલું છે તેમાં ભોંયરું છે, તે બંધ કરી રાખી બતાવીશું. એ મંદિર મારા તાબામાં છે.
શીતલસિંહ : યુક્તિ તો ઠીક લાગે છે, પણ છ માસ પછી કોને રજૂ કરીશ ?
જાલકા : એનો તો એક જ માર્ગ છે, તે એ કે આ રાઈને પર્વતરાય તરીકે રજૂ કરવો.
શીતલસિંહ : (ભડકીને) શું ! માળીને રાજા બનાવવો ?
જાલકા : તમને એ સ્થાન આપીએ. પણ તમને સહુ ઓળખે, અને, તમારો કહેરો ઢાંક્યો ન રહે. આપણા ત્રણના સિવાય ચોથાનો વિશ્વાસ થાય નહિ. છ માસમાં રાઈને રાજદરબારની બધી હકીકતથી વાકેફ કરી દઈશું.
રાઈ : જાણે હું સંમતિ આપી ચૂક્યો હોઉં એવી રીતે, જલાકા, તું વાત કરે છે.
જાલકા : રાઈ ! આ દીર્ઘદૃષ્ટિથી વિચાર કરવાનો ગંભીર પ્રસંગ છે. તારે તો ફક્ત હું કહું તેમ કરવાનું છે. શીતલસિંહ ! જો આપણે જીવતા રહેવું હોય તો આ સિવાય બીજો ઉપાય નથી.
શીતલસિંહ : પણ, એમાં બહુ જોખમભર્યું સાહસ છે. હમણાં કે પછી જો કોઈ વેળા ખરી હકીકત બહાર પડી અને સહુએ જાણ્યું કે આ તો માળી છે તો આપણી શી ગતિ થવાની ?
જાલકા : હાલ કરતાં ખરાબ ગતિ નહિ થાય. અને, પર્વતરાય મહારાજના મરણનું વૃત્તાન્ત પ્રગટ થાય તો તેમના પુત્રને અભાવે ગાદી માટે કોણ જાણે કેવીયે લડાઈઓ જાગે અને રાજ્ય કેવું ઓપાયમાલ થઈ જાય તેનો વિચાર કર્યો ? વળી, પર્વતરાયના સામંતો તે કંઈ વંશપરંપરાના હકદાર
અંક પહેલો
૧૧