પૃષ્ઠ:Raino Parvat book-Author Ramanbhai Nilkanth.pdf/૧૮૧

આ પાનાનું પ્રુફરીડિંગ થઈ ગયું છે


પેલા સાથીએ માળીને કહ્યું કે, ' અલ્યા તું જુવાન છે, પાદશાહ ઘરડો હતો; તારી મૂછોના વાળ કાળા છે, પાદશાના સફેદ હતા; તારી શીકલ ને તેની શીકલમાં ઘણો ફેર છે, તે બેગમો અને દરબારી લોકથી ઢાંક્યું રહેવાનું નથી, માટે હું કહું તેમ તદબીર કરવી.' રાત પૂરી થયા પહેલાં બંને જણા મંદિરમાં દાખલ થયા, ને માળીને તેમાંથી એક ભોંએરામાં ઉતાર્યો. સાથીએ સવાર થતાં દરબારમાં જાહેર કર્યું જકે, 'કોઈ મોટો હકીમ પરસદેશથી આવ્યો છે, તેણે પાદશાહને કહ્યું કે જો તમે છ માસ સુધી ભોંએરામાં રહો, કોઇને મળો નહિ, મોઢું દેખાડો નહિ, કોઈની જોડે વાતચીત કરો નહિ, તો એ મુદ્દતમાં હું તમને કેવળ જુવાન કરી દઉં. વાળ ધોળા છે તે કાળા થાય, દાંત પાછા આવે અને ચેરો તો એટલો ફરી જાય કે ઘરનાં માણસ પણ તમને ઓળખે નહિ.' પાદશાહે એ વાત કબૂલ કરી ને હકીમ તથા પોતે ભોંએરામાં ઉતર્યા છે; વજીર રાજકરભાર ચલાવે એવો હુકમ કર્યો છે. આ હુકમ સર્વેએ માન્ય કર્યો. બાદશાહને ભોંએરામાં ખાનપાન લૂગડાં પૂરાં પડે. ફાર્સી જુબાન પણ શીખવી તથા રાજદરબારી બોલવા ચાલવાની રીતથી વાકેફ કરી છ માસ પૂરા થયે બહાર કાઢ્યો. બધાએ છેતરાયા. રાઈ માળી હવે પરબતશાહ કહેવાયો. બુદ્ધિમાન હતો, તેથી રાજ ઠીક ચલાવતો હતો. અંદરની વાત પોતે તથા પેલો સાથી બે જણ જ જાણે. એ સાથી બાદશાહને, નિત્ય રાજમિજલસ મળે તેવારે સલામ કરી છાનું હસીને બેસે. બાદશાહને તેના તાબામાં પણ રહેવું પદે ખરું. નવ વરસ એમ કરતાં ગયાં, ત્યારે બાદશાહે તેને એક મધરાત્રે ચાંદરણી ખીલી રહી છે તે વખત એકાંતમાં કહ્યું, 'ચાલો નદી કાંઠે જઈ સેલ કરીને ફરીએ.' સાથીએ કહ્યું, ' પરબતશાહ કેવો મરી ગયો તે વાત ભૂલી ગયા ! આ વખતે જવું નથી.' બાદશાહે કહ્યું, ' કંઈ ફિકર નહિ, જઈશું.' બેંને જણ નદી કાંઠે આવી ઊભા. ત્યાં એક ચમત્કાર જોયો. વહેતા પાણીમાં દીવા તણાતા દીઠા. એક જાય ને બીજો આવે. પાદશાહે પોતાના સાથીને કહ્યું, 'જાઓ જોઈ આવો એ ક્યાંથી આવે છે.' સાથીએ આનાકાની કરી પણ અંતે જવું પડ્યું. ઉપલાણેથી દીવા

૧૭૪
રાઈનો પર્વત